નવી દિલ્હીઃ ભારતનાં પ્રવાસે આવેલા બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના અને યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગયા શનિવારે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. બેઠકમાં બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. કેટલાક પ્રાદેશિક મુદ્દાઓ પણ ચર્ચાયા હતા.
દ્વિપક્ષીય મંત્રણા બાદ બંને નેતાઓની ઉપસ્થિતિમાં ૭ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ડિફેન્સ, ટ્રેડ, પોર્ટસ, જળ વહેંચણી, શિક્ષણ, સાંસ્કૃતિક આદાનપ્રદાન, દરિયાઈ સુરક્ષાનો સમાવેશ થાય છે. શેખ હસીનાએ કહ્યું હતું કે, NRC (નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ) મામલે કોઈ સમસ્યા નહીં થાય તેવી વડા પ્રધાન મોદીએ તેમને ખાતરી આપી છે.
ત્રણ સહિયારા પ્રોજેક્ટ
બાંગ્લાદેશમાંથી એલપીજીની આયાત સહિત ત્રણ પ્રોજેક્ટને બંને નેતાઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કર્યા હતા. બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ કહ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશ દ્વારા છેલ્લા એક વર્ષમાં આવા ૧૨ સંયુક્ત પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.
વડા પ્રધાને મોદીએ કહ્યું કે, આજના ત્રણેય પ્રોજેક્ટ એલપીજીની આયાત, બાંગ્લાદેશ ઇન્ડિયા પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટમાં વોકેશનલ ટ્રેનિંગ અને ઢાકામાં રામકૃષ્ણ મિશનમાં વિવેકાનંદ ભવન ખાતે સોશિયલ ફેસિલિટીને લગતા છે. જેનો હેતુ નાગરિકોનાં જીવનને વધુ સારું બનાવવાનો છે.
મોદીએ કહ્યું હતું કે બલ્ક એલપીજી પ્રોજેક્ટ બંને દેશો માટે વિન વિન પોઝિશન છે. જેનો લાભ બંને દેશને મળશે. બાંગ્લાદેશમાં નિકાસ, આવક અને રોજગારી વધશે. ટ્રાન્સપોર્ટેશન અંતરમાં ૧,૫૦૦ કિલોમીટર જેટલો જંગી ઘટાડો થતાં આર્થિક ફાયદો થશે તેમ જ પર્યાવરણને લાભ થશે.
દ્વિપક્ષીય સંબંધો ઊર્જાવાન
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, શેખ હસીના સાથેની દ્વિપક્ષીય મંત્રણા પછી બંને દેશો વચ્ચેનાં સંબંધો વધુ ઊર્જાવાન બન્યા છે. બંને દેશ વચ્ચેનાં સંબંધો વિશ્વ માટે ઉદાહરણરૂપ છે. આપણા સમાજ પર સ્વામી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનો અનોખો પ્રભાવ છે.
સ્વાદિષ્ટ ભોજન પીરસાયું
પીએમ મોદીએ શેખ હસીનાને સન્માનવા રવિવારે શાહી લંચનું આયોજન કર્યું હતું, જેમાં દહીં ભલ્લા, પાપડી ચાટ, બાદશાહી પુલાવ, ભર્વાન કુંભ રોગની, શાહી ડુંગળી દાળ અને માલપુઆનું સ્વાદિષ્ટ ભોજન પીરસાયું હતું. ઉલ્લેખનીય છે કે શેખ હસીનાની પસંદગી મુજબ મેનુ નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં બંને નેતાઓએ ફિલ્ટર કોફી અને કાવાનો સ્વાદ પણ માણ્યો હતો.

