નવી દિલ્હીઃ ગુજરાતના જાણીતા લોકગાયિકા અને ‘કચ્છી કોયલ’ તરીકે ખ્યાતનામ ગીતા રબારીએ સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગીતા રબારીએ વડા પ્રધાનને ‘અમે રાજી મોદીજી તારા રાજમાં રે...’ ગીત સંભળાવ્યું હતું. ગીત ગાઈ રહેલાં ગીતા રબારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો અને લોકોએ અને વધાવ્યો હતો. ગીતા રબારીનું ‘રોણા શેર...’માં ગીત યુટ્યુબ પર ૨૫ કરોડ લોકોએ જોયું છે.
ગીતા રબારી કહે છે કે મેં પાંચમાં ધોરણથી ગીત ગાવાનું શરૂ કર્યું હતું. મેં સંગીતનું કોઈ પદ્ધતિસરનું શિક્ષણ લીધું નથી.
સમાજ માટે પ્રેરણાદાયીઃ વડા પ્રધાન
બાદમાં વડા પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું કે ગીતા રબારી જેવા લોકો આપણા સમાજ માટે પ્રેરણારૂપ છે. ગુજરાતી લોકસંગીત માટે ગીતાનું કામ ઉલ્લેખનીય છે. તેમણે ગુજરાતી સંગીતને યુવાનોમાં લોકપ્રિય કરવાનું કામ કર્યું છે. હું તેમનાથી પ્રભાવિત છું. તેમને ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું.

