કર્ણાટકમાં કોકડું ગૂંચવાયું છેઃ અસંતુષ્ટો ટસના મસ થતા નથી

Wednesday 10th July 2019 06:39 EDT
 
 

નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જનતા દળ (એસ)ના અસંતુષ્ટ ધારાસભ્યોના ધડાધડ રાજીનામા બાદ યુતિ સરકાર સંકટમાં મૂકાઇ ગઇ છે ત્યારે હવે રાજકીય વિશ્લેષકોની નજર રાજભવન પર મંડરાઇ છે. જેડી-એસ અને કોંગ્રેસ યુતિ સરકારના ૧૩ ધારાસભ્યોએ પોતાના રાજીનામા પત્રો વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યા છે, પરંતુ અધ્યક્ષનું કહેવું છે કે તેઓ આ મુદ્દે કોઇ ઉતાવળિયો નિર્ણય નહીં કરે. કાનૂની સલાહ બાદ અંતિમ નિર્ણય જાહેર કરશે.
કોંગ્રેસે પોતાના ધારાસભ્યોનાં રાજીનામાં પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે. પ્રવર્તમાન રાજકીય અનિશ્ચતતા જોતાં મનાય છે કે ૧૨ જુલાઈથી શરૂ થઇ રહેલા સત્રમાં ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે.
ઊથલપાથલની પૃષ્ઠભૂમિ
કર્ણાટકમાં ગયા વર્ષે - ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ ૧૦૫ બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. ૨૨૪ સભ્યો ધરાવતા ગૃહમાં બહુમત માટે ૧૧૩ સભ્યોનું સમર્થન જોઇએ. આમ તેને બહુમતથી હાથવેંતનું છેટું રહ્યું હતું. કોંગ્રેસે ૭૮ સભ્યો સાથે બીજું અને અને જેડી-એસે ૩૭ બેઠકો સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
ગવર્નર વજુભાઇ વાળાએ સૌથી મોટા પક્ષ ભાજપના યેદિયુરપ્પાને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું, જોકે તેઓ બહુમત સાબિત કરી શક્યા ન હતા. આ પછી સામ-સામે ચૂંટણી લડનારા જેડી-એસ તથા કોંગ્રેસે કુલ ૧૧૫ સભ્યો સાથે યુતિ સરકાર રચી. વધુ બેઠકો છતાં કોંગ્રેસે જેડી-એસના કુમારસ્વામીને મુખ્ય પ્રધાન બનાવ્યા. જોકે ગત શનિવારે કોંગ્રેસના ૧૦ તથા જેડી-એસના ત્રણ સભ્યોએ રાજીનામા ધરી દેતાં ગૃહમાં યુતિની સભ્યસંખ્યા ઘટીને ૧૦૫ થઇ ગઇ છે.
હાલ તો યુતિ સરકારે તમામ પ્રધાનોના રાજીનામા લઇને અસંતુષ્ટોની નારાજગી દૂર થાય તે રીતે પ્રધાનમંડળની પુનઃ રચનાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે મંગળવારે મોડી સાંજે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી અસંતુષ્ટોને મનાવવાના પ્રયાસો સફળ થયા નથી.


comments powered by Disqus