પુરીઃ ભારતનાં મુખ્ય ચાર યાત્રા ધામોમાંથી એક ઓડિસાના પુરીમાં ભગવાન જગન્નાથજીની દસ દિવસ લાંબી રથયાત્રાનો રંગેચંગે પ્રારંભ થયો છે. અષાઢી બીજ પર્વે - ચોથી જુલાઇએ ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ તેમના મોસાળ તરફ રવાના થયા હતા. તેમના મોસાળનું ઘર ગુંડિચાદેવીનું મંદિર છે, જ્યાં ભગવાન દર વર્ષે એક સપ્તાહ માટે રહેવા જાય છે. આ જગપ્રસિદ્ધ રથયાત્રામાં ભાગ લેવા માટે દેશ-વિદેશના ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પુરી પહોંચ્યા હતા અને જગન્નાથજીનો રથ ખેંચ્યો હતો.
આ વર્ષે રથયાત્રાની ખાસ બાબત એ છે કે પહેલી વખત જગન્નાથ મંદિર અને ગુંડિચા મંદિરને રંગીન ફૂલોથી શણગારવામાં આવ્યાં છે. ફૂલોની આ સજાવટ મંદિર તરફથી કરવામાં નથી આવી, પણ દિલ્હીના એક શ્રદ્ધાળુ કે. કે. શર્માએ કરાવી છે. આ સાજસજાવટ માટે ૨૦૦ માળીઓએ ૨ દિવસ સુધી મહેનત કરી છે. જેના પર આશરે ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો.
લીમડાના લાકડાથી રથનિર્માણ
યુનેસ્કો દ્વારા પુરીના એક ભાગને વૈશ્વિક ધરોહરની યાદીમાં સામેલ કરાયા બાદ આ બીજી રથયાત્રા છે.
દર વર્ષે આયોજિત આ યાત્રા માટે ત્રણ વિશાળ રથ બનાવાય છે. તેમાં ભગવાન જગન્નાથના રથ નંદીઘોષમાં ૧૮ પૈડાં હોય છે, જેની ઊંચાઈ ૪૫.૬ ફૂટ છે. ૧૬ પૈડાંવાળા બલભદ્રના રથ તાલધ્વજની ઊંચાઈ ૪૪ ફૂટ અને ૧૫ પૈડાં ધરાવતા સુભદ્રાજીના રથ દનીંપદલનની ઊંચાઈ ૪૨ ફૂટ હોય છે. લીમડાના લાકડામાંથી નવા રથ બનાવાય છે. આ પ્રક્રિયા વસંત પંચમીથી શરૂ થાય છે.

