૧૦ મિલિયનના ખર્ચે તૈયાર થઈ રહેલી શ્રી ક્રિષ્ણા હવેલીનું વડા પ્રધાને નિરીક્ષણ કર્યું

Wednesday 11th December 2019 05:23 EST
 
 

વડા પ્રધાન બોરિસ જહોન્સને ૮મીને રવિવારે વોટફર્ડ નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર ક્રિષ્ણા ટેમ્પલની ઓચિંતી મુલાકાત લીધી હતી. મેનોર ખાતે દર્શનાર્થે આવેલા લોકોએ તેમને અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત સાંસદોને જોઈને ભારે આશ્ચર્ય અનુભવ્યું હતું. પ્રીતિ પટેલ વોટફર્ડની સ્કૂલમાં અને હર્ટફર્ડશાયરમાં રહેતા તેમના પરિવારજનોને મળવા પણ ગયા હતા

વડા પ્રધાન જહોન્સને ૧૦ મિલિયન પાઉન્ડના ખર્ચે તૈયાર થઈ રહેલી મલ્ટિપર્પઝ કોમ્યુનિટી ફેસિલીટી શ્રી ક્રિષ્ણા હવેલીની પણ મુલાકાત લીધી હતી. સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે તેમનું પરંપરાગત સ્વાગત કરાયું હતું. બાદમાં ભક્તો, સ્થાનિક મહાનુભાવો અને હિંદુ કોમ્યુનિટીના પ્રતિનિધિઓની સાથે વડા પ્રધાન જહોન્સન સ્વ.બીટલ જ્યોર્જ હેરિસને ડોનેટ કરેલા મુખ્ય મોક-ટ્યુડોર મેન્શન બિલ્ડીંગમાં આવેલા સુંદર ટેમ્પલ રૂમમાં ગયા હતા.

પ્રસિદ્ધ ધર્મસ્થાનમાં દર્શન અને વિધિવત આશીર્વાદ મેળવ્યા બાદ તેમણે હિંદુ કોમ્યુનિટી અને તેના મૂલ્યો માટે તેમને જે આદરભાવ છે તેના વિશે ભક્તો અને મહેમાનોને સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન જહોન્સને જણાવ્યું હતું, ‘ આ મંદિર અને અહીંની કોમ્યુનિટી દ્વારા કરાયેલા કાર્યથી મને પ્રેરણા મળી છે. અલબત્ત, આ આધ્યાત્મિકતાનું શ્રેષ્ઠ સ્થળ છે તેટલું જ નહીં તે સેંકડો અને હજારો લોકોને આકર્ષે છે. મેનોરની મુલાકાતે લગભગ તમામ સમાજના લોકો આવે છે. લગભગ તૈયાર થવા આવેલી આ અદભૂત હવેલી જોઈને મને ખૂબ આનંદ થયો. આ સેન્ટરનો વિધિવત પ્રારંભ થાય ત્યારે વડા પ્રધાને ફરી તેની મુલાકાત લેવાની ખાતરી આપી હતી.

મંદિરની વિખ્યાત સ્વીટસનો આસ્વાદ માણીને ભેટ સ્વીકાર્યા બાદ વડા પ્રધાને ટેમ્પલ ફાર્મમાં બળદો અને ગાયોને ઘાસચારો નીર્યો હતો. હિંદુ સંસ્કૃતિમાં પ્રાણીઓને પૂજવામાં આવે છે અને ગાય અથવા બળદને ઘાસચારો નીરવાની પ્રવૃત્તિને પવિત્ર મનાય છે.

ટેમ્પલના હેડ ઓફ કોમ્યુનિકેશન્સ વિનય તન્નાએ જણાવ્યું હતું કે ભક્તિવેદાંત મેનોર પ્રાર્થના-પૂજા અને આધ્યાત્મિક શિક્ષણનું સ્થળ છે. તેથી તે કોઈ ચોક્કસ રાજકીય પક્ષ સાથે સંકળાયેલું નથી. જોકે, કોઈ વ્યક્તિ આ સ્થળની મુલાકાત કોઈ પણ સમયે લેવા માગે તો અમે તેમને માન આપીએ છીએ.’


comments powered by Disqus