ઓલ્ડહામમાં ૫ મિલિયન પાઉન્ડના ખર્ચે નવું મંદિર બનશે

Wednesday 12th June 2019 06:23 EDT
 

શ્રી સ્વામીનારાયણ મંદિર ઓલ્ડહામએ ઓલ્ડહામમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પર્પઝ કોમ્યુનિટી સેન્ટર અને ધાર્મિક સુવિધાઓના બાંધકામ માટે ઓલ્ડહામ કાઉન્સિલ પાસેથી ગઈ ૫ જૂને પ્લાનિંગ પરમીશન મેળવી હતી.

નવું સ્વામીનારાયણ મંદિર કોપસ્ટર હિલ રોડ પર અગાઉ કોપસ્ટર હિલ રોડ ડેપો હતો ત્યાં લી સ્ટ્રીટ પર આવેલા હાલના મંદિર પાસે બંધાશે. આ મંદિર ૧૯૭૭માં બનેલું છે. પરંતુ, હિંદુ સમુદાયના લોકો તેમજ પ્રવૃત્તિઓ વધવાને લીધે તે ખૂબ નાનું પડે છે.

મંદિરના પ્રાર્થના હોલની સાથે મલ્ટિ ફંક્શન હોલ, ટીચીંગ અને કોમ્યુનિટી સ્પેસ તેમજ લેન્ડસ્કેપ ગાર્ડન અને લગભગ ૬૦ પાર્કિંગ સ્પેસ બનાવવામાં આવશે.

શ્રી સ્વામીનારાયણ મંદિર, ઓલ્ડહામ એ શ્રી સ્વામીનારાયણ મંદિર ભૂજના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ નું છે. ભૂજ સ્વામીનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ જણાવ્યું હતું, ‘હું ઓલ્ડહામના ભક્તોને મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. હું પુરુષો અને સ્ત્રીઓેને, યુવાનો અને વડીલોને સાથે મળીને આ મંદિરના નિર્માણમાં તેઓ જે પણ સેવા આપી શકે તે આપવા માટે વિનંતી કરું છું. ભગવાન સ્વામીનારાયણના આશીર્વાદથી નવું મંદિર સુંદર જ બનશે અને આધ્યાત્મિક સંદેશ આપવાનું યથાવત ચાલુ રહેશે તેમજ દરેકને ઘણી રોમાંચક તકો પણ મળતી જ રહેશે’.

આ શુભ સમાચારથી મંદિરના કાર્યકરો અને સ્થાનિક હિંદુ કોમ્યુનિટીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus