ભારતીય વૃંદ ગાન દ્વારા લંડનમાં ‘સ્વરાંજલિ’ કોન્સર્ટ યોજાયો

Wednesday 12th June 2019 06:20 EDT
 
 

ગત ૧૨મેને રવિવારે લંડનમાં સાઉથબેંક સેન્ટર ખાતે ભારતીય વૃંદ ગાન (BVG) દ્વારા સ્વરાંજલિ મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો. તેમાં BVG & SHIVAના ગાયકોએ તેમના સૂરીલા કંઠે વિવિધ ગીત – સંગીત કૃતિઓ રજૂ કરી હતી. ગ્રેટર લંડનના દર્શકો માટે આ કોન્સર્ટ આનંદદાયક અને મંત્રમુગ્ધ કરનારો અનુભવ રહ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે નહેરુ સેન્ટર, લંડનના ડેપ્યૂટી ડિરેક્ટર બ્રીજમોહન ગુહારે, ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી બી પટેલ અને કોકિલાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રેક્ષકોને સંબોધન પણ કર્યું હતું.

BVG & SHIVA યુકેમાં વયસ્કો અને યુવાનો માટે ૨૦૧૪માં રચાયેલું પ્રથમ ભારતીય ગાયકવૃંદ છે. રાકેશ જોશીએ યુકેમાં ભારતીય ગાયકવૃંદના વિચારને પ્રસ્તુત કર્યો હતો. વિધિવત ઓડિશન અને ઈન્વિટેશન દ્વારા ૭૦થી વધુ વયસ્ક અને ૨૫ યુવા ગાયકોને પસંદ કરવામાં આવ્યા હતા.

ગાયકવૃંદના સભ્યો ગ્રેટર લંડન, ગ્રેટર માન્ચેસ્ટર, યોર્કશાયર, ચેસ્ટર, લીવરપુલ, બોલ્ટન, ટેમીસાઈડ અને ક્રોયડનના રહેવાસી છે. ગાયકવૃંદના ગીતો સંસ્કૃત, હિંદી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, રાજસ્થાની, તમિળ અને બંગાળી જેવી ભારતની વિવિધ ભાષાઓ પર આધારિત છે. બન્ને ગાયકવૃંદોએ લોકપ્રિય સમૂહગીતો, રાગ આધારિત ગીતો, વેદિક મંત્રો અને ધૂનો, જાણીતી કવિતાઓ, સદાબહાર ગીતો સહિત ભારતના ગીતો રજૂ કર્યા હતા.

તેના ગીતોના સંગીતની રચના અને વૃંદનું નેતૃત્વ માન્ચેસ્ટરના રાકેશ જોશી સંભાળે છે. રાકેશ જોશીની તાલીમની શરૂઆત તેમના ગુરુ માતા-પિતા સ્વ. ડો. અનિલચંદ્ર જોશી અને ડો. હેમલતા જોશી દ્વારા થઈ હતી. તેમણે પંડિત અજય ચક્રવર્તી, શશાંક ફડનીસ, બ્રીજ જોશી અને સ્વ. દિનેશ મજમુદાર જેવા ગુરુઓ પાસેથી સંગીતની તાલીમ અને માર્ગદર્શન મેળવ્યું હતું.

ભારતીય ગાયકવૃંદ શરૂ કરવા માટે તેમને અગાઉ આકાશવાણી રેડિયો, ઈન્ડિયા એન્ડ ક્લાસિક એફએમ, યુકે દ્વારા મળી હતી. જોશીએ અમેરિકા, ભારત, યુરોપ અને યુકેમાં કાર્યક્રમો યોજ્યા છે. તેમણે પીજીસીઈ, એમકોમ અને ડિપ્લોમા ઈન મ્યુઝિકનો અભ્યાસ કર્યો છે.

ગાયકવૃંદમાં જોડાવા માટે સંપર્ક કરો - [email protected] / 07973 306 125


comments powered by Disqus