નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો પણ પશ્ચિમ બંગાળમાં લોહિયાળ પુરવાર થયો હતો. અનેક મતદાન મથકો પર ભાજપ અને તૃણમૂલનાં કાર્યકરો વચ્ચે હિંસાની ઘટના બની હતી. જેમાં ભાજપ અને તૃણમૂલના એક-એક કાર્યકર માર્યા ગયા હતા. આ ઉપરાંત ભાજપના બે કાર્યકરો પર ગોળીબારની ઘટના બની હતી.
છઠ્ઠા તબક્કામાં એકંદરે ૬૩.૪૮ ટકા મતદાન નોંધાયું હતું. દિલ્હીમાં મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતા મતદાન મથકોમાં ઈવીએમ બગડયાની મોટા પાયે ફરિયાદ થઈ હતી. જોકે અન્ય રાજ્યોમાં રવિવારે ભારે ઉત્સાહ સાથે મતદારો મતદાન કરવા ઊમટી પડયા હતા.
રવિવારે છઠ્ઠા તબક્કામાં ૭ રાજ્યોની ૫૯ બેઠક પર મતદાન યોજાયું હતું. જેમાં ૯૭૯ ઉમેદવારોનું ભાવિ સીલ થયું હતું. આમ કુલ ૬ ચરણમાં ૪૮૩ બેઠક પર મતદાન પુરું થયું છે. હવે ૧૯મીએ રવિવારે છેલ્લા સાતમા તબક્કામાં ૭ રાજ્યોની વધુ ૫૯ બેઠક પર મતદાન સાથે જ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી લોકશાહીમાં લોકસભા ચૂંટણીનું કાર્ય પૂર્ણ થશે. આ પછી ૨૩મીએ મત ગણતરી સાથે પરિણામો જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં ૮ બેઠક પર મતદાન યોજાયું હતું. ઘાટ્ટલમાં ભાજપ ઉમેદવાર ભારતી ઘોષનાં કાફલા પર હુમલો કરાયો હતો અને તેમને ધક્કે ચડાવાયા હતા. ઝારગ્રામમાં ભાજપનાં બૂથ કાર્યકર રામેન સિંહની હત્યા કરાઈ હતી.
કયા રાજ્યોમાં કેટલી બેઠકો?
ઉત્તર પ્રદેશમાં ૧૪, હરિયાણાની ૧૦, મધ્ય પ્રદેશની ૮, બિહારની ૮, પશ્ચિમ બંગાળની ૮, દિલ્હીની ૭ અને ઝારખંડની ૭ બેઠક પર મતદાન યોજાયું હતું. આ ૫૯ પૈકી ૪૪ બેઠક પર ગઈ વખતે ભાજપનો વિજય થયો હતો.
કયા કયા દિગ્ગજો મેદાનમાં?
મતદાનનાં છઠ્ઠા તબક્કામાં ચાર પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત, દિગ્વિજય સિંહ, ભૂપિન્દર સિંહ હુડા અને અખિલેશ યાદવ તેમજ કેન્દ્રીય પ્રધાન હર્ષ વર્ધન, મેનકા ગાંધી, રાધામોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સાધ્વી પ્રજ્ઞા, મનોજ તિવારી, ગૌતમ ગંભીર, હંસરાજ હંસ, અજય માકન, મુક્કાબાજ વિજેન્દ્ર સિંહ, આતિશી, રાઘવ ચઢ્ઢા, ભોજપુરી સ્ટાર દિનેશલાલ ઉર્ફે નિરહુઆ જેવા દિગ્ગજ રાજકારણીઓ તેમનું નસીબ અજમાવી રહ્યા છે.

