લંડનઃઆપે સાંભળ્યું હશે કે મા તો હંમેશા મા જ રહે છે. તેનું સંતાન ભલે ગમેતેટલું મોટું થઈ જાય, પરંતુ એ તો તેમની કાળજી એક બાળકની માફક જ લે છે. ૧૦૦ વર્ષની માતા એડા કીટિંગ અને ૮૨ વર્ષીય દીકરો ટોમ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
ટોમ એડાનાં ચાર સંતાનમાંથી સૌથી મોટો છે. વાત ૨૦૧૬ની છે. જીવનમાં એકલા પડી ગયેલા ટોમભાઇ લિવરપૂલના મોસ વ્યૂ કેર હોમમાં રહેવા માટે જતા રહ્યા. માતા એડાને આ વાતની જાણ થઈ તો તેણે વિચાર્યું કે ત્યાં તેની રસંભાળ કોણ લેશે? આથી એડા પણ મોસ વ્યૂ કેર હોમ રહેવા માટે પહોંચી ગયાં.
મા-દીકરો છેલ્લા ત્રણ વર્ષથી અહીં રહે છે. બન્ને જિંદગીના અંતિમ દિવસો સાથે વિતાવી રહ્યાં છે. આરામ કરે છે. રમે છે. એડા વર્ષોપુરાણી આદત અનુસાર દરરોજ પુત્રને ગુડનાઇટ કહીને જ પોતાના રૂમમાં જાય છે. સવારે નાસ્તાના ટેબલ પર ટોમ તેની સામે હોય છે. એડા કહે છે કે પોતે જ્યારે હેર ડ્રેસરની પાસે જાય છે તો ટોમ તેની આતુરતાભેર રાહ જોતો બેસી રહે છે. જેવા તે પરત ફરે છે કે ટોમ તેને ભેટી પડે છે. અહીં સૌથી નોંધનીય બાબત તો એ છે કે એડા ક્યારેય નથી ભૂલતાં કે તે એક મા છે. તે આજે પણ ૮૨ વર્ષના ટોમની નાના બાળકની જેમ જ સારસંભાળ લે છે અને તેને સલાહ આપ્યા કરે છે.

