જામનગરઃ ‘સૌરાષ્ટ્રનું પેરિસ’ ગણાતા જામનગરના વતની અને બે દાયકા પહેલા ઓસ્ટ્રેલિયા જઇને સ્થાયી થયેલાં કૌશલ્યા ચૌહાણ ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પાર્લામેન્ટમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય સાંસદ બન્યા છે.
ઓસ્ટ્રેલીયાની વિકટોરીયા પાર્લામેન્ટના સાંસદ તરીકે ચુંટાઈ આવનાર પ્રથમ ઈન્ડીયન બોર્ન એમ.પી.બન્યા છે. જે જામનગર અને ભારત માટે ગૌરવની વાત ગણાય.
જામનગરના હાલ નિવૃત સિનીયર એડવોકેટ વિરજીભાઈ વાઘેલાના સૌથી મોટા પુત્રી કૌશલ્યાના લગ્ન દિનેશભાઈ ચૌહાણ સાથે થયા બાદ તેઓ ઓસ્ટ્રેલિયા જઇને સ્થાયી થયાં છે. બીએસસી અભ્યાસ કરનાર કૌશલ્યાએ ત્યાં એમ.એસસી.નો અભ્યાસ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં વસવાટના પ્રારંભે દંપતીએ ખર્ચના બે છેડા ભેગા કરવા માટે અનેક નાની-મોટી નોકરીઓ કરી. આ સંઘર્ષ કરતાં-કરતાં જ નાનો બિઝનેસ શરૂ કર્યો.
આ સમયે તેમને કેટલીક સરકારી પ્રક્રિયાઓ અને સમસ્યાની રજૂઆત માટે સંબંધિત સત્તાધીશો સમક્ષ અવાજ પહોંચાડવાની પણ જરૂર પડી હતી.
એક અખબારને આપેલી મુલાકાતમાં કૌશલ્યા વાઘેલા (ચૌહાણ)એ જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં એક સમયે ભારતીયોના મજબૂત પ્રતિનિધિત્વની પણ જરૂરત વર્તાઇ હતી. બાદમાં તેમને જે તે સમયના જુદા જુદા સમાજ અને વર્ગ માટે પ્રધાનના સલાહકાર તરીકે કામ કરવાનો અવસર મળ્યો હતો. આ સમયે તેમને ઓસ્ટ્રેલિયન સમાજના પાયાના પ્રશ્નો અને સમાજની જરૂરતનો ખ્યાલ આવ્યો હતો.
લેબર પાર્ટીનું વર્ચસ ધરાવતી વિક્ટોરિયન પાર્લામેન્ટના મલ્ટીકલ્ચરલ એડવાઇઝર તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા કૌશલ્યાએ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વેસ્ટર્ન મેટ્રોપોલિટન રિજયનમાંથી લેબર ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું.

