નવી દિલ્હીઃ જાણીતા ટીવી શો ‘કોફી વિથ કરણ’માં હાર્દિક પંડયા અને લોકેશ રાહુલે કરેલો મહિલાઓ વિરોધી બફાટ તેમને ભારે પડ્યો છે. બન્ને ખેલાડીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નોટિસ આપીને ટીમમાં હકાલપટ્ટી કરી છે.
હાર્દિક પંડયાએ આ શોમાં ઘણી મહિલાઓ સાથે પોતાના સંબંધની તેમજ પોતે વર્જિન ન હોવાનો એકરાર માતા-પિતા સમક્ષ કર્યો હોવાની વાતનો ઉલ્લેખ કરીને અનેક મુદ્દે બફાટ કર્યો હતો. આટલેથી જ ન અટકતાં હાર્દિકે મહિલાઓ સાથે વાત કરતાં તેને ચાલતા જોવી વધુ ગમે છે તેવું વિવાદિત નિવેદન કર્યું હતું.
હાર્દિકના આ નિવેદનમાં લોકેશ રાહુલ પણ જોડાયો હતો. બન્ને એકસાથે કરણ જોહરના શોમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેણે મહિલાવિરોધી ટીપ્પણી કરી હતી અને ત્યારપછી તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો હતો. જોકે ત્યારપછી હાર્દિકે ટ્વિટર પર માફી માગી હતી, પણ ત્યાં સુધીમાં મામલો હાથ બહાર જતો રહ્યો હતો.
‘ઘણી મહિલા સાથે સંબંધ’
શો દરમિયાન પંડ્યાએ ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે, તે પોતાના માતા-પિતા સામે ખૂબ ટ્રાન્સપરન્ટ છે. એટલે સુધી કે તેણે પોતાની વર્જિનિટી ગુમાવી હતી તે વાત પણ માતા-પિતાને જણાવી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે ક્લબમાં કેમ કોઈ મહિલાને તેમનું નામ નથી પૂછતો? ત્યારે પંડ્યાએ જવાબ આપ્યો હતો કે, મને તેમને જોવામાં જ રસ હોય છે. છોકરીઓ કેવી રીતે ચાલે છે તે જોવું મને ગમે છે. પંડ્યાના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં તેની નિંદા થવા લાગી હતી.
‘શોમાં ખોવાઈ ગયો હતો’
હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો હતો કે, હું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નહતો માગતો. પંડ્યાએ ટ્વિટ કર્યું છે કે, કોફી વિથ કરણના શોમાં મારા નિવેદન પછી વિવિધ પ્રતિક્રિયાઓ આવી. મારા નિવેદનથી જેમની પણ લાગણીઓને ઠેસ પહોંચી હોય તે દરેક લોકોની હું માફી માંગુ છું. ઈમાનદારીથી હું શોના વાતાવરણમાં ખોવાઈ ગયો હતો. મારો હેતું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા કે અપમાન કરવાનો નહોતો.

