વેમ્બલી પાર્કમાં આવેલા લીડલ સ્ટોરના બેકરી સેક્શનમાં બપોરના સમયે ગ્રાહકોની હાજરીમાં કોન્ટ્રાક્ટરોએ કથિત રીતે ઝેરી કેમીકલ છાંટ્યુ હોવાની ઘટના બાદ બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
ગઈ ૧લી ઓક્ટોબરે એક બાળકના પિતા નીતિનભાઈ લગભગ ૩.૪૫ વાગે સ્ટોરના બેકરી સેક્શનમાં ગયા હતા. બેકરી ઓવન્સમાં ઝેરી દવાના છંટકાવને લીધે નીતિનભાઈ પરષોત્તમભાઈ માથાનો દુઃખાવો, ઉલ્ટી-ઉબકા અને ખરાબ ગળાની ફરિયાદ સાથે A&E પહોંચ્યા હતા. તકલીફ વધતા તેમને થોડા કલાક માટે ત્યાં ઓબ્ઝર્વેશન હેઠળ પણ રખાયા હતા.
સ્ટોરમાં તેમણે ટ્રોલીમાં રખાયેલા કેમીકલ કન્ટેઈનર્સના ફોટા પાડ્યા હતા. સફાઈમાં ઝેનિથ લિક્વીડ ડીગ્રીઝરનો વપરાશ થયો હતો. તેનો ઉપયોગ કરતી વખતે હાથમાં ગ્લોવ્સ અને આંખે ગોગલ્સ પહેરવા તેવી તેના લેબલ પર સ્પષ્ટ સૂચના છે. જોકે, સફાઈ કરતા કર્મચારીઓએ બન્નેમાંથી કંઈ જ પહેર્યું ન હતું.
નીતિનભાઈએ ઘરે પહોંચીને લીડલના કસ્ટમર સર્વિસીસમાં ફોન કર્યો હતો. તેમને કહેવાયું હતું કે સફાઈ કર્મચારીઓ તો રાત્રે ૧૦ વાગે જ આવે છે. પરંતુ, તેઓ છ કલાક વહેલા આવ્યા હતા અને તેમને કામ શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી.
બ્રેન્ટ કાઉન્સિલના લીડ મેમ્બર ફોર કોમ્યુનિટી સેફ્ટી એન્ડ એન્ગેજમેન્ટ કાઉન્સિલર ટોમ મિલરે જણાવ્યું હતું કે સલામતીના ભંગની તમામ ફરિયાદોને અમે ગંભીરતાપૂર્વક લઈએ છીએ. હેલ્થ એન્ડ સેફ્ટી ઈન્સ્પેક્ટરે સ્ટોરના મેનેજમેન્ટ સાથે વાત કરવા, તેઓ કઈ ક્લિનિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે તે જાણવા અને સેફ્ટી ડેટા રેકર્ડ્સ મેળવવા માટે બીજા દિવસે લીડલની મુલાકાત લીધી હતી. તેમણે ઉમેર્યું કે ફરિયાદીના મેડિકલ રિપોર્ટની નકલ પણ મંગાવાઈ છે કારણ કે તેમને જે શારીરિક તકલીફ થઈ તેનો તે મહત્ત્વનો પૂરાવો ગણાય. કાઉન્સિલના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે આગળની તપાસ નક્કી કરવા અમારા માટે ફરિયાદીને થયેલી તકલીફનો પ્રકાર અને તેનું પ્રમાણ મહત્ત્વના છે. આ મામલે લીડલ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.

