લાતુરઃ મહારાષ્ટ્રના લાતુરમાં શિવાજી જયંતી નિમિત્તે ભારતનું પ્રથમ ગ્રાસ પેઇન્ટિંગ (ઘાસ ઉગાડીને) બનાવાયું. લાતુર જિલ્લાના નિલંગા નગરના એક ખેતરમાં આ પેઇન્ટિંગ તૈયાર કરાયું હતું શિવાજી મહારાજની આ ભવ્ય આકૃતિનું નિર્માણ અક્કા ફાઉન્ડેશન દ્વારા ૨.૫ લાખ સ્કવેર ફૂટના ખેતરમાં કરાયું. ઘાસ ઉગાડીને બનાવાયેલી આ કલાકૃતિ મંગેશ નિપાણીકરે તૈયાર કરી છે.
ગયા વર્ષે અરવિંદ પાટીલ નિલંગેકરે રંગોળીમાંથી શિવાજી મહારાજની આકૃતિ બનાવી હતી. તે જોયા પછી જ મંગેશે આ વર્ષે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું. તે માટે ૭ દિવસ અગાઉ નિલંગા નગરના દાબકા રોડ પર ૬ એકર વિસ્તારમાં ઘાસની રોપણી કરવામાં આવી હતી. ઘાસ સૂકાતાં જ શિવાજીની આ આકૃતિ જોવા મળી, જેની લોકોએ ભરપૂર પ્રશંસા કરી હતી.
મંગળવારે - ૧૯ ફેબ્રુઆરીએ છત્રપતિ વીર શિવાજીની જન્મજયંતી હોવાથી આ ગ્રાસ પેઇન્ટિંગ બનાવનારા કલાકાર મંગેશ નિપાણીકરનું કહેવું છે કે ઘાસ રોપવા અંદાજે દોઢ હજાર કિલો બીજ વપરાયા હતા. અઠવાડિયા અગાઉ ઘાસ રોપાયું. થ્રી-ડી ઇફેક્ટ લાવવા તેમાં ગ્રાફ્ટિંગ પણ કરાયું. લોકો આ પેઇન્ટિંગ સરળતાથી જોઈ શકે તે માટે ખેતરની ચારેય તરફ ચાર મોટી સ્ક્રીન પણ મુકાઈ હતી.

