ગ્રામીણ ભારતનો પિરિયડ પ્રોબ્લેમ દર્શાવતી ડોક્યુમેન્ટરીને ઓસ્કર

Wednesday 27th February 2019 06:04 EST
 
 

લોસ એન્જલસઃ ગ્રામીણ ભારતમાં માસિક ધર્મ વખતે યુવતીઓની સમસ્યાઓ પર આધારિત ડોક્યુમેન્ટરી ‘પિરિયડઃ એન્ડ ઓફ સેન્ટન્સ’ને સિનેજગતના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડથી સન્માનિત કરાઈ છે. શોર્ટ સબ્જેક્ટ શ્રેણીમાં એવોર્ડ જીતેલી ૨૬ મિનિટની આ ડોક્યુમેન્ટરી ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના કાઠીખેડા ગામમાં પેડ બનાવવાનું મશીન મુક્યા પછી આવેલા બદલાવ પર આધારિત છે. આ ગામમાં યુવતીઓને માસિક ધર્મના કારણે અભ્યાસ છોડવો પડતો હતો કારણ કે તેમને સેનિટરી પેડ નહોતા મળતા.
આ ફિલ્મનું નિર્માણ લોસ એન્જલસની ઓકવૂડ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ટીમ તથા તેમનાં શિક્ષિકા મેલિસા બર્ટન દ્વારા સ્થપાયેલા ‘ધ પેડ’ પ્રોજેક્ટ અંતર્ગત કરાયું હતું. આ ફિલ્મના સહનિર્માતા ભારતીય મૂળના ગુનીત મોંગા છે, જ્યારે દિગ્દર્શક ઇરાની-અમેરિકન રેકા જેહતાબાચી છે. ઓસ્કર એવોર્ડ સમારંભમાં બર્ટન અને જેહતાબાચીએ આ ફિલ્મને મળેલો એવોર્ડ સ્વીકાર્યો હતો. જેહતાબાચીએ કહ્યું હતું કે મને વિશ્વાસ નથી કે માસિક ધર્મ પર બનેલી ફિલ્મને ઓસ્કર મળશે. જ્યારે બર્ટને આ ઓસ્કર શાળાને સમર્પિત કરતા કહ્યું હતું કે મારા વિદ્યાર્થીઓ અને ભારતીયો બદલાવ લાવવા ઇચ્છતા હોવાથી આ પ્રોજેક્ટને જન્મ થયો હતો.
આ પ્રોજેક્ટ હેઠળ આશરે રૂ. બે લાખ ભેગા કરીને બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ તૈયાર કરવાનું મશીન ખરીદ્યું હતું. આ પછી બર્ટને આ મશીન કોઈ જરૂરિયાતમંદ લોકોને આપવાનું સૂચન કર્યું હતું, જેથી એકશન ઇન્ડિયા નામની સંસ્થા થકી આ મશીન કાઠીખેડા પહોંચ્યું હતું. ત્યાર પછી આ જ સંસ્થાએ આ ગામની સ્નેહા નામની યુવતીનો સંપર્ક કરીને ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, આ પ્રસ્તાવથી સ્નેહાની માતાને ખચકાટ હતો, પરંતુ તેના પિતાએ હિંમત આપી હતી. આ પછી બીજી ચાર યુવતી પણ તેમાં જોડાઈ હતી.
આ ફિલ્મ બનાવવા માટે ૪૦ હજાર ડોલરનું ભંડોળ ભેગું કરાયું હતું. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૧૬માં થયું હતું.


comments powered by Disqus