ભારતની આઝાદીના સાત દસકા પછી પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકની અગનજ્વાળા લપકારા મારી રહી છે. ધરતી પરનું સ્વર્ગ ગણાતા આ પ્રદેશમાં પાકિસ્તાન પ્રેરિત અનેક આતંકવાદી સંગઠનો સક્રિય છે. ધર્મના નામે નિર્દોષ લોકોનું લોહી વહાવી રહેલા આતંકી સંગઠનોની કરમકુંડળી પર એક નજર...
જૈશ-એ-મોહમ્મદ મુજાહિદ્દીન-એ-તંજિમ
જૈશ-એ-મોહમ્મદ એટલે મોહમ્મદનું સૈન્ય. નવી દિલ્હીમાં સંસદ પર થયેલા હુમલા માટે આ જૂથ જવાબદાર હતું. ૨૫ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ સરકારે આ સંગઠનને પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ (‘પોટા’) હેઠળ પ્રતિબંધિત જાહેર કરાયું હતું. અમેરિકી વિદેશ પ્રધાન કોલિન પોવેલે પણ ૨૬ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ બહાર પડેલાં જાહેરનામામાં આ સંગઠનને વિદેશી ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં સક્રિય ત્રાસવાદી સંગઠનોને મુકાબલે જૈશ-એ-મોહમ્મદ નવું સંગઠન કહી શકાય. લશ્કર-એ-તૈયબાની જેમ જ જૈશ-એ-મોહમ્મદ પણ પાકિસ્તાન દ્વારા સંચાલિત છે. ૩૧ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ કરાચીમાં મૌલાના અસૂદ અઝહર દ્વારા આ સંગઠન રચાયું હતું.
અલ-બદ્ર
અલ-બદ્ર વર્તમાનમાં જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે. ૧ એપ્રિલ ૨૦૦૨ના રોજ ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ પણ આ સંગઠનને વિદેશી સંગઠન જાહેર કર્યું છે. જૂન ૧૯૯૮માં કાશ્મીરને આઝાદ કરીને પાકિસ્તાન સાથે ભેળવી દેવાની નેમ સાથે આ સંગઠનની રચના થઈ હતી. આ સંગઠન યુનાઇટેડ નેશન્સ (યુએન)ના ઠરાવ મુજબ જમ્મુ-કાશ્મીરને આત્મનિર્ણયનો અધિકાર મળે તેની વકીલાત કરી રહ્યું છે.
લશ્કર-એ-જબ્બાર
ઓગસ્ટ ૨૦૦૧માં આ સંગઠન જમ્મુ-કાશ્મીરના સ્થાનિક મીડિયામાં ચમક્યું હતું. ૭ ઓગસ્ટના રોજ શ્રીનગરના ખન્યાર વિસ્તારમાં બે અજાણ્યા યુવાનોએ શાળાના બે શિક્ષકો પર એસિડ ફેંક્યો હતો. બીજે દિવસે શસ્ત્રધારી ત્રાસવાદીઓએ શ્રીનગરની તમામ શાળાઓને તેમનો ડ્રેસકોડ ઇસ્લામિક નહીં હોય તો હિંસાની ધમકી આપી હતી. દક્ષિણ કાશ્મીરમાં આ જ સંગઠન દ્વારા વીતેલાં બે મહિનામાં કેટલાક હુમલા થયા હોવાનું મનાય છે.
લશ્કર-એ-ઓમર
જાન્યુઆરી ૨૦૦૨માં હરકત-ઉલ-જિહાદ-એ-ઇસ્લામ, લશ્કર-એ-ઝાંઘવી અને જૈશ-એ-મોહમ્મદની કેડરે હાથ મિલાવીને લશ્કર-એ-ઓમર નામના નવાં ત્રાસવાદી જૂથની રચના કરી હતી. લશ્કર-એ-ઓમરનો શબ્દાર્થ સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક અહેવાલો મુજબ તાલિબાની સંગઠનના વડા મુલ્લાહ મોહમ્મદ ઓમરને યાદમાં સંગઠનને તે નામ આપવામાં આવ્યું છે. તો કેટલાક અહેવાલ કહે છે કે સિંધનાં હૈદરાબાદ ખાતે ત્રાસવાદવિરોધી કોર્ટે અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લનાં અપહરણ અને હત્યાકેસમાં ૧૫ જુલાઈ ૨૦૦૨ના રોજ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના જે ત્રાસવાદી સૈયદ અહમદ ઓમર શેખને આજીવન કેદની સજા સંભળાવી હતી તેને આ નામકરણ દ્વારા અંજલિ અપાઇ છે. પંજાબનાં એક ચર્ચ પર થયેલા હુમલાની જવાબદારીનો સ્વીકાર કરતાં લશ્કર-એ-ઓમર સંગઠન સમાચારમાં ચમક્યું હતું. ૨૮ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર કરીને હુમલો થયો હતો.
હિઝબુલ મુજાહિદ્દીન
જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત આ સૌથી મોટું સંગઠન છે. સ્થાનિક અને વિદેશીઓ પણ આ સંગઠનના સભ્ય છે. રાજ્યમાં સમયાંતરે ત્રાસવાદી હુમલા કરીને આ સંગઠન ચર્ચામાં રહે છે. ત્રાસવાદ પ્રતિબંધક કાયદા ૨૦૦૨ હેઠળ રાજ્યમાં જે ૩૨ સંગઠનો પ્રતિબંધિત છે તેમાં હિઝબુલ મુજાહિદ્દીનનો સમાવેશ થાય છે. માસ્ટર અહેસાન ડારનાં નેતૃત્વમાં ૧૯૮૯માં આ સંગઠન કાશ્મીર ખીણમાં સક્રિય થયું હતું. સુરક્ષા દળોએ ડિસેમ્બર ૧૯૯૩માં ડારની ધરપકડ કરી હતી. જમાત-એ-ઇસ્લામીની લડાયક પાંખના રૂપમાં તે સંગઠન રચાયું હતું. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ઇશારે જમાત-એ-ઇસ્લામીએ આ લડાયક સંગઠનની રચના કરી હતી. જેકેએલએફના પૂર્વ સભ્યો જ હિઝબુલ મુજાહિદ્દીનના સભ્યો બની રહ્યા હતા.
હરકત-ઉલ-અન્સાર
મૌલાના સદાતુલ્લાહખાનનાં નેતૃત્વમાં બે પાકિસ્તાની ત્રાસવાદી જૂથો હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી અને હરકત-અલ-મુજાહિદ્દીનનો વિલય કરીને હરકત-ઉલ-અન્સાર રચાયું છે. અફઘાન જેહાદના ભાગરૂપે બંને રાજકીય જૂથોએ મળીને આ લડાયક જૂથની રચના કરી છે, જેનો એક જ ઉદ્દેશ છે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરીને પાકિસ્તાન સાથે ભેળવી દેવું. આ જૂથના ૧,૦૦૦ જેટલા આતંકીમાં ૬૦ ટકા અફઘાની અને પાકિસ્તાની હતા. ભાગતા ફરતા ત્રાસવાદી ઓસામા બિન લાદેન સાથેના સંબંધને કારણે અમેરિકાએ તે સંગઠનને ત્રાસવાદી જૂથ જાહેર કર્યું હતું. અમેરિકી પ્રતિબંધથી બચવા આ જૂથે ૧૯૯૮માં ફરી જૂનું નામ હરકત-ઉલ-મુજાહિદ્દીન ધારણ કર્યું. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુઝફ્ફરાબાદ ખાતે વડું મથક ધરાવતું હરકત-ઉલ-અન્સાર જૂથ કાશ્મીર, મ્યાનમાર, તઝાકિસ્તાન, બોસ્નિયા સહિતનાં સ્થળે બળવાખોર પ્રવૃત્તિમાં સામેલ હતું. જોકે આગળ જતાં મસૂદ અઝહર, સજ્જાદ અફઘાની, નસરુલલાહ મંઝુર સહિતની ટોચની નેતાગીરીની સુરક્ષા દળોએ ધરપકડ કરી લેતાં સંગઠને જમ્મુ-કાશ્મીરમાં વગ ગુમાવી હતી.
લશ્કર-એ-તૈયબા
૧૯૯૦માં અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આ સંગઠનની રચના થઈ. આ સંગઠન જમાત-ઉદ્-દાવા તરીકે પણ ઓળખાય છે. પાકિસ્તાનમાં હાફિઝ મોહમ્મદ સઇદનાં વડપણમાં લાહોર નજીક મુર્દિકે ખાતે સંગઠન થાણું ધરાવતું હતું. ૧૯૯૩માં આ સંગઠનના ૧૨ જેટલા પાકિસ્તાની અને અફઘાન લડાકુ અંકુશ રેખા પાર કરીને પૂંચ ખાતે સક્રિય થતાં જમ્મુ-કાશ્મીરમાં આ સંગઠનની હાજરી વર્તાઈ હતી. લશ્કર-એ-તૈયબા ભારતમાં પ્રતિબંધિત સંગઠન છે અને અમેરિકી વહીવટી તંત્રે પણ ૨૬ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ ત્રાસવાદી સંગઠનની યાદીમાં તેને સામેલ કર્યું છે. ૩૦ માર્ચ ૨૦૦૧થી બ્રિટનમાં પણ આ સંગઠન પ્રતિબંધિત છે. પરવેઝ મુશર્રફના સરમુખત્યાર શાસન દરમિયાન ૧૨ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ આ સંગઠન પર પ્રતિબંધ લદાયો હતો.

