અમદાવાદઃ ઈમાનદાર માણસની પ્રમાણિકતા ક્યારેક તો રંગ લાવે છે જેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. કપરી સ્થિતિમાં પણ પ્રામાણિકતા સાથે બાંધછોડ નહીં કરનારા શહેરના એક વાળંદ ઉપર વિદેશી યુવક આફરીન થઇ ગયો હતો અને વાળ કાપવાના ચાર્જ પેટે ૨૦ રૂપિયાના બદલે ૪૦૦ ડોલર એટલે કે પૂરા ૨૮ હજાર રૂપિયા આપી દીધા હતા.
હેરલ્ડ બાલ્ડ્રાએ પોતાની યુટ્યુબ ચેનલ પર મૂકેલી ઘટનાની વિગતો એવી છે કે, પોતે શહેરના સી જી રોડ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ફુટપાથ પર ખખડધજ ખુરશી અને સામે નાનો અરીસો મૂકીને ઉભી કરાયેલી હેર કટિંગની ખુલ્લી શોપ જુએ છે. તે વાળંદ પાસે જઈને પોતાના હેર કટિંગ માટે જણાવે છે. જોકે હેર કટિંગ દરમિયાન પોતે વાળંદને વિવિધ કટની રજૂઆત કર્યા કરે છે, પરંતુ વાળંદને અંગ્રેજી ભાષા આવડતી નથી. આથી તે હાવભાવથી જણાવે છે કે, હું મારી રીતે હેર કટિંગ કરી આપું છું. વીડિયોમાં હેરલ્ડ જણાવે છે કે તેણે અનેક વૈભવી શોપમાં હેર કટિંગ કરાવ્યું છે પરંતુ કોઈ ફૂટપાથ પર બેસીને આ રીતે પહેલી વાર વાળ કપાવી રહ્યો છે. ટ્રિમ કર્યા બાદ વાળંદ કેંચીની મદદથી વાળનું કટિંગ કરે છે. જે સ્ટાઈલ જોઈને હાર્ડ ખુશ થઈ જાય છે અને તેની ભારે પ્રશંસા કરે છે. બાદમાં બંને એકબીજાના મોબાઈલમાં સેલ્ફી પાડે છે.
હેર કટિંગના કેટલા પૈસા આપવાના છે તેવા વિદેશી યુવકના પ્રશ્નના જવાબમાં વાળંદ બે આંગળીથી રૂ. ૨૦ માગે છે. જ્યારે વિદેશી યુવક રૂ. ૨૦ના બદલે બે હજાર સમજીને બે હજાર રૂપિયાની નોટ આપે છે. આથી વાળંદ અનુમાન લગાવે છે કે, નક્કી આની કંઇક સમજવામાં ભુલ થઈ છે માટે બે હજારની નોટ આપે છે. વાળંદ બે હજાર રૂપિયા સ્વિકારવાની ના પાડે છે અને માત્ર રૂ. ૨૦ની જ માગણી કરે છે. જોકે વાળંદની આ પ્રામાણિકતા જોઈને વિદેશી યુવક આફરીન થઈ જાય છે. તે રસ્તા પરથી પસાર થતા અંગ્રેજી જાણકાર યુવાનને બૂમ પાડીને બોલાવે છે.
અંગ્રેજી જાણકાર આ યુવાન વાળંદ અને વિદેશી યુવક હેરલ્ડ વચ્ચે દુભાષીયો બને છે અને વાળંદની પારિવારિક પરિસ્થિતિથી વિદેશી યુવક વાકેફ થાય છે. આ પછી તે વાળ કપાવવાના ૨૦ રૂપિયા આપવાને બદલે વાળંદને ૪૦૦ ડોલર એટલે કે ભારતીય ચલણમાં ૨૮,૦૦૦ રૂપિયા આપે છે. અને કહે છે કે, તું ખરેખર જોરદાર કારીગર છે. તારે તો મોટી શોપમાં કામ કરવું જોઈએ. વીડિયોની વિગતો પ્રમાણે હેરલ્ડ બાલ્ડ્રા મૂળ નોર્વેનો રહેવાસી છે અને પોતે યુટ્યુબર છે. તેની કમાણીમાંથી કેટલીક રકમ બાળકોના અભ્યાસ માટે ડોનેટ કરતો રહે છે.

