વાપીઃ લિવ-ઇન રિલેશનમાં વર્ષો સુધી રહ્યા બાદ સંતાનોની હાજરીમાં લગ્ન કરવાના અનેક કિસ્સાઓ કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી પરિવારોમાં બન્યાં છે, પરંતુ એક વરરાજા બે દુલ્હન સાથે એક જ મંડપમાં લગ્ન કરે તેવું પહેલી વખત અહીં બની રહ્યું છે. ૨૨ એપ્રિલે પાલઘરમાં યોજાનારા આ લગ્નની પત્રિકા હાલ ચર્ચામાં છે.
આ પ્રેમકહાનીની વાત એવી છે કે પાલઘરમાં સંજય નામનો અનાથ યુવાન રીક્ષા ચલાવીને પેટિયું રળતો હતો. વર્ષોપૂર્વે તેની મુલાકાત બેબી નામની ૨૬ વર્ષની યુવતી સાથે થઈ હતી. બન્ને એકમેકના પ્રેમમાં પડ્યા. બન્ને એક-બીજા સાથે રહેવા લાગ્યા હતા. બન્નેને એક દીકરો અને એક દીકરી છે. દરમિયાન વર્ષ ૨૦૧૧માં વાપીની એક કંપનીમાં કામ કરતી અને મૂળ ઉમરગામ ભાટી કરમેબલીની રીના નામની યુવતી સંજયના સંપર્કમાં આવે છે. અને તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાય છે. થોડાક સમય બાદ સંજય રીનાને ઘરે લઈ આવ્યો પહેલી પરિણીતા બેબીએ તેને અપનાવી લીધી અને સહુ સંપીને સાથે રહેવા લાગ્યા. રીનાને હાલ એક સંતાન છે. ત્રણેય બાળકો હાલ રાજીખુશીથી રહે છે. હવે સંજય ૨૨ એપ્રિલે પાલઘર વાસા સુતારપાડામાં બેબી અને રિના - બન્ને યુવતી સાથે લગ્ન કરી રહ્યો છે.
અમે શાંતિથી રહીએ છીએ
સંજય કહે છે કે મારા ત્રણેય બાળકોના સ્કૂલમાં રેકોર્ડમાં પિતા તરીકે મારું નામ છે, પરંતુ લોકો દ્વારા મારા બાળકોને ભવિષ્યમાં સાંભળવું ન પડે તે માટે બન્ને પાર્ટનર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ, સંજય સાથે રહેતી બેબી અને રિના કહે છે કે લોકો ભલે કહે કે એક ઘરમાં બે મહિલા સાથે રહી શકે નહીં, પરંતુ અમે બન્ને શાંતિથી રહીએ છીએ.
ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડામાં યોજાતા સમુહ લગ્નમાં વરરાજા અને દુલ્હન સંતાનોને સાથે રાખીને લગ્ન કરતા હોવાના કિસ્સા અનેક વખત જોવા મળે છે. મુખ્ય કારણ હોય છે નાણાકીય કટોકટી. લગ્ન માટે આર્થિક સગવડ ન હોવાથી યુવક-યુવતી વર્ષો સુધી લિન-ઇન રિલેશનમાં રહે છે અને
આર્થિક સ્થિતિ સારી થાય ત્યારે છે પરંપરાગત વિધિથી લગ્ન
કરે છે.
