ગુજરાતમાં ભરઉનાળે વીજળીનાં કડાકા-ભડાકા કરા સાથે કમોસી વરસાદે નવનો ભોગ લીધો

Wednesday 17th April 2019 10:20 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં મંગળવારે સાંજે અનેક જગ્યાએ ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો હતો અને વીજળીના કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતાો. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, રાજકોટ, કચ્છ, અમદાવાદ, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર સહિતનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કેટલાક ઠેકાણે કરા પણ પડ્યા હતા. તો જોરદાર પવન અને ધૂળની ડમરીઓ પણ ફૂંકાઇ હતી. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં જુદી જુદી ઘટનાઓમાં નવ વ્યકિતનાં મોત થયા છે.
રાજ્યમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક ઠેકાણે ભયંકર વીજળીનાં ગડગડાટ થયા હતા. વિરમગામનાં વાંસવામાં વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે તો પડધરીમાં મહિલા ઝાડ નીચે દટાઈ જતાં મૃત્યુ નીપજ્યું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા લોપ્રેશરનાં કારણે કચ્છ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વાતાવરણ એકાએક પલટાતાં ગરમીનો સામનો કરી રહેલા લોકોને આંશિક રાહત મળી છે.
આગલા દિવસે સોમવારે પણ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાતના ચીખલી, સાપુતારા, નવસારી, વાપી, વ્યારા, ડાંગ, વલસાડ અને સુરત જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થયું હતું. ધરમપુર અને કપરાડા પંથકમાં કમોસમી વરસાદના ઝાપટાં પડયાં હતાં. ડાંગના વઘઈ, વાંસદા તાલુકામાં માવઠું થતાં શાળાઓ સવારની હોવાથી વિદ્યાર્થીઓ છત્રી અને રેઇન કોટ પહેરી સ્કુલે જતા નજરે પડયા હતા.
કેસર કેરીના પાકને નુકસાન
મોસમના બદલાયેલા મિજાજથી વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢની કેસર કેરીને વ્યાપક નુકસાનની ભીતિ છે. કેરીમાં રોગચાળો વધી શકવાની સાથે સતત વાદળછાયા હવામાનથી કેરીનો પાક પણ ખરી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીને નુકસાનની સંભાવના જોતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડશે. આ ઉપરાંત ઘઉં, ચણા, બાજરી, દિવેલા, જીરૂ જેવા પાકને પણ નુકસાનની ભીતિ છે.


comments powered by Disqus