ગાંધીનગરઃ એક મતનું મૂલ્ય કેટલું? જવાબ સ્વાભાવિક મળે - અમૂલ્ય, પરંતુ જૂનાગઢની માનવ વસતીથી ૨૦ કિ.મી. દૂર આવેલા બાણેજ ગામના એક મતદારના મત પાછળ ચૂંટણી પંચ આશરે ૮થી ૧૦ હજાર રૂપિયા ખર્ચે છે.
કદાચ કોઈ કહેશે કે એ મતદારને વાહન દ્વારા નજીકના મતદાન મથકે લાવી આ ખર્ચ બચાવી શકાય. પરંતુ લોકશાહી દેશમાં લોકશાહીના જતન માટે સેંકડો રૂપિયા એક મત પાછળ ખર્ચી ચૂંટણી પંચ, ઘર નજીક સર્જાતા મતદાન કેન્દ્રમાં જઈને મતદાન કરવું કેટલું જરૂરી છે તેનું મહત્ત્વ આ ઉદાહરણ દ્વારા મતદારોને સમજાવે છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવતા આ બાણેજ ગામને જૂનાગઢ લોકસભા બેઠકનું ઊના વિધાનસભા મતક્ષેત્ર લાગુ પડે છે. ઘનઘોર જંગલ અને રાની પશુઓથી ઘેરાયેલું આ ગામ માનવવસતીથી ૨૦ કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાં પહોંચવા માટે પાકી સડક નથી કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ નથી. આ આખા જંગલમાં એક માત્ર ૬૧ વર્ષીય બાબા ભરતદાસ ગોસ્વામી રહે છે. આ અલગારી બાબા જંગલમાં આવેલા વર્ષો પુરાણા શિવજી મંદિરમાં પૂજારી તરીકે ૩૭ વર્ષથી સેવા કરે છે. દૂરના ગામોના રહીશો આ મંદિરમાં સવાર-સાંજ દર્શન કરવા આવે તો આવે, બાકીના સમયમાં આ બાબા સિવાય કોઈ માણસ ના ફરકે.
વર્ષ ૨૦૦૭થી ગુજરાત વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની, ચૂંટણી પંચ બાણેજમાં વન વિભાગની નાનકડી કચેરી ખાતે બાબાના એક માત્ર મત માટે એક પ્રિસાઇડિંગ ઓફિસર, ૨ પોલિંગ ઓફિસર્સ, એક પટાવાળા સહિત પોલીસ જવાનો લાવી મતદાન વ્યવસ્થા ગોઠવે છે. બાબા એમને અનુકૂળ સમયે બપોર સુધીમાં મતદાન કરી દે, પણ ચૂંટણી પંચના નિયમ મુજબ તંત્ર તો ત્યારે મથક સમેટે જ્યારે મતદાનનો સમય પૂરો થાય.
લોકશાહીમાં નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેના માટે ચૂંટણી પંચ મોટા પ્રમાણમાં જાગ્રૃતિના કાર્યક્રમો પણ કરે છે જેમાં ચૂંટણી પંચે આ એક માટે ઊભા થતાં મતદાનમથકની વિગતો પણ તેમના પ્રચારમાં સમાવી છે.

