દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદઃ પબુભાએ ધારાસભ્યપદ ગુમાવ્યું

Wednesday 17th April 2019 07:30 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે જ ભાજપને ફટકો પડ્યો છે. ગુજરાત હાઇ કોર્ટે રાજ્યમાં ૨૦૧૭માં યોજાયેલી દ્વારકા વિધાનસભા ચૂંટણીનું પરિણામ રદબાતલ ઠરાવ્યા છે. આ સાથે જ દ્વારકા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્ય પદ પણ રદ થઈ ગયું છે. આ બેઠક પરથી ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીતને પડકારીને તેમનું ઉમેદવારી પત્ર ક્ષતિયુકત હોઈ રદબાતલ ઠરાવવા દાદ માંગતી ઈલેકશન પિટિશન હાઈ કોર્ટમાં કરી હતી.
અલબત્ત, કોર્ટે ગોરિયાની અરજી અંશતઃ ગ્રાહ્ય રાખી છે. હાઇ કોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદબાતલ ઠરાવી છે, પરંતુ પબુભા બાદ બીજા ક્રમે સૌથી વધુ મત મેળવ્યા હોવાથી તેમને વિજયી જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે.
કોંગ્રેસના મેરામણ ગોરિયા દ્વારા કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, દ્વારકા બેઠકની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે પોતાનું ઉમેદવારી પત્ર ભરતી વખતે ૧૧ નંબરના કોલમમાં વિધાનસભા મતવિસ્તાર દ્વારકા અને આ મતવિસ્તારનો ક્રમાંક ૮૨ લખવું પડે તે લખ્યું જ ન હતું. મતલબ કે, ઉમેદવારે પોતે કયા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેનો ઉલ્લેખ જ કર્યો ન હતો. આમ પબુભા માણેકનું ઉમેદવારી ફોર્મ ભરવામાં ગંભીર ક્ષતિ હતી.
અરજદારે તે સમયે જ તત્કાલીન ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરીને પબુભા માણેકનું ઉમેદવારી ફોર્મ રદ કરવા માંગણી કરી હતી, પણ અરજદારની રજૂઆત ધ્યાને લેવાઇ નહોતી. લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૩૩થી ૩૬ સાથે વાંચતા ઉમેદવારી ફોર્મમાં ઉમેદવારે વિધાનસભા મતક્ષેત્રનું નામ અને ક્રમાંક લખવો ફરજિયાત છે. વળી, સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા મુજબ પણ જો ઉમેદવારી ફોર્મમાં ગંભીર ક્ષતિ હોય તો તેવા ઉમેદવારી ફોર્મ રદ કરવા પડે, પરંતુ તત્કાલીન ચૂંટણી અધિકારીએ અરજદારનો વાંધો સ્વીકાર્યો નહોતો.

સ્ટેની માગ પણ ફગાવી

કોર્ટમાં ચુકાદો જાહેર થયા બાદ પબુભા માણેકના વકીલે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવા સમય માટે હુકમ પર સ્ટેની માગણી કરી હતી. જોકે હાઈ કોર્ટે માગણી ફગાવતા નોંધ્યું હતું કે, પબુભાનું ઉમેદવારી પત્ર સ્વીકારવાનો નિર્ણય જ ગેરકાયદે અને સુપ્રીમ કોર્ટના બંધનકર્તા ચુકાદાની વિરુદ્ધનો હોવાથી સ્ટે મળી શકે નહીં.

‘આઠમી વખત પણ લડી લઈશ’

હાઈ કોર્ટના નિર્ણય અંગે પબુભાએ કહ્યું હતું કે, અત્યાર સુધી સાત ચૂંટણી જીત્યો છું તો હવે આઠમી પણ લડી લઈશ. ૧૯૯૦માં તેમણે કોંગ્રેસ સામે બળવો કરીને અપક્ષ તરીકે લડી વિજેતા થયા હતા. ત્યારથી તમામ ૭ વિધાનસભા ચૂંટણીમાં પબુભા દ્વારકા બેઠક પરથી જીતતા આવ્યા છે.

પબુભા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

દ્વારકા બેઠકની ચૂંટણી રદ કરવાના હાઇ કોર્ટના હુકમને પડકારતી પબુભા માણેકની અપીલ પર સુનાવણી હાથ ધરવાની સુપ્રીમ કોર્ટે સંમંતિ દર્શાવી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠ અપીલની સુનાવણી આવતા સપ્તાહે ૨૨ એપ્રિલના રોજ હાથ ધરશે. પબુભા માણેકે સર્વોચ્ચ અદાલતમાં એવી રજૂઆત કરી છે કે, ગુજરાત હાઇ કોર્ટે દ્વારકા વિધાનસભા બેઠક માટે વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણી રદ કરતો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અંગે ચૂંટણી પંચ અને વિધાનસભા સ્પીકરને પણ જાણ કરવાનો આદેશ આપ્યો છે. તેથી તેમની અરજી પર વહેલી તકે સુનાવણી હાથ ધરાય તે જરૂરી છે.


comments powered by Disqus