૪ ઝોન, ૨૬ બેઠકો, ૫૯ પક્ષ, ૩૭૧ ઉમેદવાર

Wednesday 17th April 2019 06:08 EDT
 
 

સૌરાષ્ટ્ર-કચ્છ
• કુલ ૭ બેઠક ધરાવતા આ ઝોનમાં પાંચ પર ભાજપ, બે પર કોંગ્રેસ મજબૂત
• બેઠકઃ રાજકોટ, ભાવનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, જામનગર
૨૦૧૪માં સૌરાષ્ટ્ર ભાજપનું હતું. ગત વિધાનસભામાં કોંગ્રેસ તરફ જતું રહ્યું. કારણ હતા ખેડૂતો અને પાટીદાર આંદોલન. હવે જ્ઞાતિ સૌથી મોટું ફેક્ટર છે. પાટીદાર, કોળી, આહિર મતબેન્ક ઘણી બેઠક પર નિર્ણાયક છે. રાજકોટ બેઠક પર ભાજપ મજબૂત જણાય છે, પણ અમરેલી અને જૂનાગઢમાં મુશ્કેલી છે. જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા સામે કચવાટ છે. જામનગર, ભાવનગર, કચ્છમાં ભાજપ પોતાને
સુરક્ષિત અનુભવે છે. પોરબંદરમાં બન્ને તરફ ઊથલપાથલ છે.
ઉત્તર ગુજરાત
• કુલ ૫ બેઠક ધરાવતા આ ઝોનમાં ચોંકાવનારા પરિણામ આવી શકે છે
• બેઠકઃ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર
મહેસાણામાં ભાજપના મૂળિયાં મજબૂત છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનું ગામ વડનગર મહેસાણામાં છે. પાટીદાર આંદોલનનું એપીસેન્ટર હોવા છતાં ભાજપની બેઠક સુરક્ષિત છે. જોકે સાચો પડકાર પાટણમાં છે. ભાજપે અજાણ્યા ચહેરા ભરત ડાભીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર જાણીતું નામ છે. પહેલી વાર કોંગ્રેસ એકજૂથ દેખાઈ છે. સાબરકાંઠામાં ભાજપ ફસાયો છે. બનાસકાંઠામાં ભાજપને વિપક્ષ કરતાં પોતાના લોકોથી જ ખતરો વધુ છે. ભાજપ-કોંગ્રેસ બન્નેએ ઠાકોર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.
દક્ષિણ ગુજરાત
• કુલ ૫ બેઠકો ધરાવતા આ ક્ષેત્રની ૪ બેઠકમાં ભાજપ જોરમાં, બારડોલીમાં કોંગ્રેસ સુરક્ષિત
• બેઠકઃ સુરત, બારડોલી, નવસારી, વલસાડ અને દીવ-દમણ
ભાજપે સુરતમાં દર્શના જરદોશને ફરી ટિકિટ આપી છે. આ વખતે અહીં મુકાબલો મૂળ સુરતી અને સૌરાષ્ટ્રવાસી સુરતી વચ્ચે છે. ભાજપને ચિંતા હારની નહીં, માત્ર માર્જિનની છે. બારડોલીમાં કોંગ્રેસ પડકાર આપતી દેખાઈ રહી છે. ૨.૨૫ લાખ પાટીદાર મતોને જો મનાવી લેશે તો બેઠક તેની થઈ જશે. નવસારીમાં ભાજપ સેફ છે. વલસાડ બેઠક પર ૮૦ ટકા મતદારો એસસી-એસટી છે. આદિવાસી મતો ભાજપ-કોંગ્રેસ વચ્ચે લગભગ સરખા ભાગે વહેંચાયેલા છે.
મધ્ય ગુજરાત
• કુલ ૯ બેઠકમાંથી ૮ પર ભાજપ મજબૂત, પણ આણંદમાં કોંગ્રેસને આશા
• બેઠકઃ અમદાવાદ (પૂર્વ), અમદાવાદ (પશ્ચિમ), વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરેન્દ્રનગર
અમદાવાદની બન્ને લોકસભા બેઠક પર ભાજપને કોઈ તકલીફ નથી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને વિક્રમજનક મતોથી જીતાડનારા વડોદરામાં કોંગ્રેસ પણ આશા નથી રાખી રહી. હા, આણંદ બેઠક આ વખતે જરૂર ચોંકાવી શકે છે. કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને ઉતાર્યા છે. ભાજપે મિતેશ પટેલને
ટિકિટ આપી છે. પંચમહાલ, સુરેન્દ્રનગરમાં ભાજપને આંતરિક લડાઈનો ડર સતાવે છે. ભરૂચમાં જંગ ત્રિપાંખિયો હોવાથી ભાજપને વધુ ફાયદો થશે.


comments powered by Disqus