નવી દિલ્હીઃ રાફેલ ફાઇટર જેટના સોદામાં ભ્રષ્ટાચાર થયો છે અને ચોકીદાર ચોર હૈનાં નારા લગાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તેમની ચાલમાં જ ફસાયા છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દસ્તાવેજોને આધારે રાફેલ સોદા પર ફેર વિચારણા અરજી સ્વીકાર કરાયા પછી રાહુલે એક સભામાં એવું કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો છે. આ બાબતે સોમવારે સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી કે અમે આવું કશું કહ્યું જ નથી. આમ સુપ્રીમ કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને નોટિસ બજાવી છે અને ૨૨મી એપ્રિલ સુધીમાં ૭ દિવસમાં તેમની પાસે જવાબ માગ્યો છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનાં વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે, કોર્ટે વડા પ્રધાન મોદી વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી. કોર્ટના નિવેદનને રાહુલે કોટી રીતે રજૂ કરાયું છે. આ મામલે ભાજપ નેતા મીનાક્ષી લેખી દ્વારા રાહુલ સામે કોર્ટના અનાદરનો કેસ કરાયા પછી કોર્ટની નોટિસથી રાહુલની મુશ્કેલી વધી છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચમાં
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે. કોર્ટે
કેસની વધુ સુનાવણી ૨૩ એપ્રિલે એટલે કે આગામી મંગળવારે હાથ ધરવાનું નક્કી કર્યું હતું.

