લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડની ઇદ ઉજવણીમાં સ્થળાંતરના રોમાંચની રસિક વાતો

-જ્યોત્સના શાહ Wednesday 19th June 2019 06:19 EDT
 
 

નોર્થ લંડનમાં જાણીતી લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડે રવિવાર ૨ જુન ૨૦૧૯ના રોજ ઇદની ઉજવણી નિમિત્તે સાઉથોલની બ્રીલીયન્ટ રેસ્ટોરંટ ખાતે લંચનું અયોજન કર્યું હતું.

ભારત અને આફ્રિકામાં ત્રણ દાયકાથી વધુ સમયથી એનફિલ્ડ ક્લબે શિક્ષણ અને આરોગ્યને લગતા વિવિધ ચેરિટેબલ પ્રોજેક્ટો હાથ ધરી નોંધપાત્ર ફંડ એકત્ર કરી નામના મેળવી છે. અતિથિનો પરિચય લાયન ડો.શ્રીકાંતે આપ્યો અને સભાનું સંચાલન રમુજભરી શૈલીમાં કરી વાતાવરણને હળવું બનાવ્યું. લાયન પ્રેસિડેન્ટ લાયન જયંત દોશીએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું.

ઇદના આ ઉજવણી પ્રસંગે અતિથિ વિશેષ વક્તા તરીકે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના તંત્રી અને પ્રકાશક શ્રી સી.બી. પટેલને આમંત્રયા હતા. એમનો વિષય હતો, ભારતથી આફ્રિકા અને આફ્રકાથી યુ.કે. સ્થળાંતરની રોમાંચક વિગતો.

આ સાહસિક કથાઓની રજુઆતમાં એ સમયની યાદ અપાવતા શ્રી સી.બી.એ જણાવ્યું કે, ગુજરાતીઓ મુંબઇથી કેન્યાની સાહસભરી દરિયાઇ સફર કરી મોમ્બાસા બંદરે ઉતર્યા અને કેન્યા, ટાન્ઝાનીયા અને યુગાન્ડાના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રેલ્વેના બાંધકામથી લઇ વિવિધરૂપે આપેલ અનુદાનની યાદ અપાવી અને કાળક્રમે યુ.કે. આવ્યા એ વિષે માહિતી રજુ કરી સૌને મુગ્ધ કરી દીધાં. એ સાથે જ ડો. માધવીએ પત્રકારત્વની સી.બી.ની સફર વિષે જાણવા ઉત્સુકતા દાખવતા એની પણ છણાવટ કરી.

શ્રી સી.બી.પટેલે એમના વક્તવ્યમાં, હાલ આપણા પ્રકાશનો, ''એશિયન વોઇસ" અને "ગુજરાત સમાચાર" કેન્યાથી પચાસ વર્ષ અગાઉ યુ.કે. આવી સ્થાયી થયેલ આપણા ભાઇ-બહેનોની સફળ સફરના સંભારણાની ઐતિહાસિક વિગતો રજુ કરતા "કેન્યા વિશેષાંક" ની તૈયારી કાર્યાલયમાં જોરશોરથી ચાલી રહ્યાની બાબતથી ઉપસ્થિત લાયનોને વાકેફ કર્યા. અને એમાં પોતાનું અનુદાન આપવા અનુરોધ કર્યો.

ઉપસ્થિત ક્લબ મેમ્બર્સે અને મહેમાનોએ એમના વક્તવ્યને વધાવી ખુશી વ્યક્ત કરી.


comments powered by Disqus