ક્રિકેટ રસિકો માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાનું મહત્ત્વ કોઈ પણ ફાઈનલ કરતાં સહેજ પણ ઓછું હોતું નથી. ઈંગ્લેન્ડમાં આયોજીત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટરમાં મેચ રમાઈ હતી. તેમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. હેરો અને આસપાસના વિસ્તારોના ક્રિકેટરસિયાઓ આ દિલધડક મુકાબલો નિહાળી શકે તે માટે પ્રથમ વખત હેરો લેઝર સેન્ટરના બાયરન હોલમાં ચાર મોટા સ્ક્રીન પર આ મેચ દર્શાવાઈ હતી. ધમાલ એન્ટરટેઈનમેન્ટના સંદીપ પટેલે તેનું આયોજન કર્યું હતું. લગભગ ૨,૦૦૦ ક્રિકેટ રસિયાઓએ આ મેચ નિહાળી હતી. આ મેચમાં ભારતના વિજય બાદ ક્રિકેટ રસિયાઓએ હોલમાં જ સ્ક્રીન ફરતે ગરબા કર્યા હતા.
આ ઉપરાંત, સત્તાવીસ પાટીદાર સેન્ટર, બ્લૂ રૂમ અને સિટી પેવેલિયન ખાતે પણ આ મેચ દર્શાવાઈ હતી. ટીવી પર લાઈવ ક્રિકેટ મેચ નિહાળવા માટે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સર્વ કરતી મોટાભાગની જાણીતી ક્લબો અને રેસ્ટોરન્ટ્સ સવારે દસથી મોડી રાત માટે બુક થઈ ગઈ હતી.
વેમ્બલીમાં ઈલિંગ રોડ પર, ક્વીન્સબરી સ્ટેશન બહાર અને ઈસ્ટ લંડનની ગ્રીન સ્ટ્રીટમાં ક્રિકેટરસિકોએ ભારતના વિજયની ઉજવણી કરી હતી.
બાયરન હોલ ખાતે ચીયર લેડીઝ તેમજ ઢોલ વગાડનારા પણ હાજર હતા. તે ઉપરાંત, પે બાર, ફૂડ સ્ટોલ, આઈસ ગોલા, શેરડીનો જ્યૂસ, પાન સ્ટોલ અને બાઉન્સી કાસલની પણ સુવિધા ઉભી કરવામાં આવી હતી.
ધમાલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા હવે ૩૦ જૂને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચ દર્શાવાશે.
(તસવીર સૌજન્ય - શરદ રાવલ)

