નવી દિલ્હીઃ ભારતના પૂર્વ અધિકારી અને હાલ પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાલી રહ્યો છે. સોમવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ભારતે કોર્ટને કહ્યું છે કે તાત્કાલીક ધોરણે કુલભૂષણ જાધવને છોડી મૂકવા માટે પાકિસ્તાનને આદેશ આપવામાં આવે. કેમ કે કુલભૂષણ જાધવ પર જે આરોપો છે તે તદ્દન ખોટાં અને પાયાવિહોણા છે. આ આરોપો હેઠળ કુલભૂષણને ફાંસીની સજા થઈ છે.
ભારતના નિવૃત્ત નેવી અધિકારી જાધવની પાકિસ્તાને ખોટા આરોપોમાં ધરપકડ કરી લીધી હતી. પાકિસ્તાને એવો આરોપ લગાવ્યો છે કે જાધવ જાસૂસી માટે પાકિસ્તાન આવ્યા હતા અને બલુચિસ્તાનમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે વાસ્તવિક્તા એ છે કે જાધવ પાકિસ્તાન ગયા જ નહોતા, તેઓ ઇરાન વ્યાપાર માટે ગયા હતા અને ત્યાંથી જ પાકિસ્તાને તેમનું અપહરણ કરી લીધું હતું. બાદમાં ૨૦૧૭માં જાધવને ફાંસી થઈ હતી. દરમિયાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં દલીલો વેળાએ ભારતે જણાવ્યું હતું કે, જાધવને જીવન જીવવાનો, ટ્રાયલનો સામનો કરવાનો અધિકાર છે.
ભારત વતી દલીલ કરતી વેળાએ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે પાકિસ્તાને કોઇ પણ પ્રકારની ટ્રાયલ વગર જ અનેક નિર્દોષોને ફાંસીએ ચડાવીને તેની હત્યા કરી છે. આશરે ૧૬૧ નાગરિકોની હત્યા કરાઇ છે. કુલભૂષણ જાધવને પણ પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા આ સજા થઈ છે સામાન્ય કોર્ટ દ્વારા નહીં તેથી આ સજા ગેરકાયદે છે અને તાત્કાલીક ધોરણે કુલભૂષણ જાધવને છોડી મૂકવા માટે કોર્ટ આદેશ આપે તેવી માગણી ભારતે આ આંતરરાષ્ટ્રીય કોર્ટ સમક્ષ મુકી હતી. ભારતે એવી પણ દલીલ કરી હતી કે પાકિસ્તાન જે દાવા કરી રહ્યુ છે તેને પુરવાર કરવા માટે એક પણ જરુરી ડોક્યુમેન્ટ જમા નથી કરાવી શક્યું.

