શ્રીનગર, નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનોની ચિતાની આગ ભલે બુઝાઇ ગઇ હોય, પણ ભારતીયોના દિલમાં ફાટી નીકળેલો પાકિસ્તાન-વિરોધી આક્રોશ આજે પણ ભભૂકી રહ્યો છે. એક તરફ, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા દેશ-વિદેશમાં કેન્ડલ માર્ચ, પ્રાર્થના સભા યોજાઇ રહ્યા છે. તો બીજી તરફ આતંકી હુમલાથી રોષે ભરાયેલા ભારતીયોના હૈયે અને હોઠે એક જ વાત છેઃ હવે નિંદા નહીં, બદલો જોઇએ.
પુલવામા જિલ્લાના અવંતીપોરામાં ૧૪ ફેબ્રુઆરીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર થયેલા ફિદાઇન હુમલાની જવાબદારી પાક.માં સક્રિય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. આદિલ અહમદ ડાર ઉર્ફે વકાસ કમાન્ડો નામના આત્મઘાતી હુમલાખોરે ૭૦ કિલોથી વધુ વિસ્ફોટકો ભરેલી કાર સુરક્ષા દળના જવાનોની બસ સાથે ટકરાવી દીધી હતી. ૪૦ જવાનોનો ઘટનાસ્થળે જ જીવ લેનાર કાશ્મીરના અત્યાર સુધીના સૌથી મોટા આતંકી હુમલામાં અનેક જવાનો ઘાયલ થયા છે. સમસ્ત વિશ્વે આ આતંકી હુમલાની આકરા શબ્દોમાં વખોડી કાઢતાં કટોકટીની આ પળે ભારત પ્રત્યે સંવેદના અને સમર્થન જાહેર કર્યા છે.
ભારતીય સુરક્ષા દળોએ પણ આતંકીઓ સામે આક્રમક કાર્યવાહી હાથ ધરીને આ આતંકી હુમલા પાછળનું મુખ્ય ભેજું ગણાતા ગાઝી કામરાન રાશિદ સહિત ત્રણ આતંકીને પુલવામાથી ૧૦ કિ.મી. દૂર પિંગલિના વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. ઉલ્લેખનીય છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલા બાદ સ્પષ્ટ કરી દીધું છે કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આવશ્યક કાર્યવાહી કરવા સેનાને છૂટો દોર અપાયો છે. જે કાર્યવાહી કરવી પડે તે સેના કરશે, સમય, સ્થળ અને સ્વરૂપ પણ તે જ નક્કી કરશે અને હિસાબ ચૂકતે કરાશે.
વિશ્વભરના ભારતીયો આ આતંકી હુમલાથી સ્તબ્ધ અને શોકાતુર છે ત્યારે બીજી તરફ, ભારત સરકાર આતંકને પાળતા-પોષતા રહેલા પાકિસ્તાનને ચોમેરથી ભીંસમાં લેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લઇ રહી છે.
ભારત સરકારે પાકિસ્તાનનો ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ (એમએફએન)નો દરજ્જો રદ કર્યો છે. સાથોસાથ આતંકી ગતિવિધિમાં પાક.ની સંડોવણી ખુલ્લી પાડવા વૈશ્વિક સ્તરે પ્રયાસો શરૂ કર્યા છે. પાક.ને મળતી આંતરરાષ્ટ્રીય આર્થિક સહાય અટકાવવા ભારતે આતંકી હુમલામાં તેની સંડોવણી દર્શાવતું ડોઝિયર વૈશ્વિક નાણાં સંસ્થાનોને સુપ્રત કરવા કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે કલમના એક જ ઝાટકે જમ્મુ-કાશ્મીરના અલગતાવાદીઓને સરકારી ખર્ચે મળતી તમામ સુવિધાઓ અને સિક્યુરિટી રદ કરી નાંખી છે.
શું થઇ રહ્યું છે, શું થઇ શકે?
• લશ્કરી કાર્યવાહીઃ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ઘોષણા મુજબ આતંકીઓને જડબાતોડ જવાબ મળશે જ અને આ જવાબ ક્યારે, કઇ રીતે, કેવો આપવો તે નક્કી કરવા સૈન્યને છૂટો દોર અપાયો છે. મતલબ કે કોઇ પ્રકારની લશ્કરી કાર્યવાહીની સંભાવના નકારી શકાય નહીં.
• અલગતાવાદીઓ પર તવાઇઃ ગૃહ પ્રધાન રાજનાથ સિંહે આપેલા સંકેત મુજબ અલગતાવાદી નેતાઓને સરકારી ખર્ચે મળતી સુરક્ષા સહિતની સુવિધા છીનવી લેવાઇ છે. જરૂર પડ્યે અલગતાવાદી નેતાઓની ધરપકડ સહિતની કાર્યવાહી પણ થઇ શકે છે.
• પાકિસ્તાન પર રાજદ્વારી દબાણઃ પાક.નો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવાયો છે. પાક. હાઇ કમિશનરને રૂબરૂ બોલાવી ઝાટકણી કાઢવામાં આવી છે. પાક. ખાતેના ભારતીય હાઇ કમિશનરને મસલત માટે બોલાવી લેવાયા છે. ભારતમાં દૂતાવાસ ધરાવતા તમામ દેશોના એલચીઓ સાથે બેઠક યોજીને તેમને પાક. પ્રેરિત ત્રાસવાદની વિગતો અપાઇ છે.

