આતંકવાદ સામેના જંગમાં તમામ વિપક્ષ સરકારની સાથે

Wednesday 20th February 2019 05:53 EST
 
 

નવી દિલ્હીઃ પુલવામા જિલ્લાનાં અવંતીપોરામાં સીઆરપીએફના કાફલા પર કરાયેલા આત્મઘાતી હુમલા પછી આતંકીઓ અને આતંકવાદ સામે કેવી રીતે લડવું તેની રણનીતિ ઘડવા ૧૬ ફેબ્રુઆરી - શનિવારે સંસદભવનમાં સર્વપક્ષીય બેઠક મળી હતી. જેમાં આક્રોશભર્યા સૂર સાથે તમામ વિપક્ષે સંકટના સમયમાં સરકારની સાથે હોવાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો.
આતંકી હુમલાની તમામ પક્ષના નેતાઓએ આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આતંકવાદ સામે લડવા ૩ મુદ્દાનો ઠરાવ પસાર કરાયો હતો. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે તમામ નેતાઓને પુલવામા હુમલાની અને સરકારે લીધેલાં પગલાંની રજેરજની માહિતી આપી હતી. આતંકવાદ અંગે સરકારના ઝીરો ટોલરન્સનો પુનરોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે, આખો વિપક્ષ આતંક સામે લડવાના મુદ્દે સેના અને સરકારની સાથે મજબૂતીથી ઊભો છે.
બેઠકમાં કોંગ્રેસના ગુલામનબી આઝાદ, આનંદ શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, નેશનલ કોન્ફરન્સના ફારુક અબદુલ્લા, એનસીપીના શરદ પવાર, ડાબેરી નેતા ડી. રાજા, શિવ સેનાના સંજય રાઉત, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ’બ્રાયન, લોકશક્તિ જનતા પાર્ટીના રામ વિલાસ પાસવાન ઉપરાંત કેન્દ્રના ગૃહ સચિવ રાજીવ ગૌબા, સીઆરપીએફના સિનિયર અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.

કોઇ દેશના ભાગલા પડાવી શકશે નહીંઃ રાહુલ ગાંધી

પુલવામાના હુમલાની કોંગ્રેસે આકરા શબ્દોમાં નિંદા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, ‘અમે શહીદ જવાનોના પરિવારજનો, સુરક્ષા દળો અને સરકારની સાથે છીએ.' રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, ‘પુલવામા હુમલો ખૂબ દુખદ છે અને સમગ્ર વિપક્ષ એકસાથે જવાનો અને સરકાર સાથે ઊભો છે. કોઈ પણ તાકાત દેશના ભાગલા પાકી શકશે નહીં.’ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ સાથે મીડિયા સમક્ષ વાતચીત કરતાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે, ‘આતંકવાદ દેશના ભાગલા અને તોડવાની કોશિશ કરે છે. પરંતુ કોઈ પણ શક્તિ તેના ભાગલા કરી ન શકે કે તોડી ન શકે. આ હુમલો દેશના આત્મા પર થયો છે.’

• દુષ્ટ તત્ત્વો સામે લડવા આખો દેશ સંગઠિતઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પુલવામા જિલ્લામાં જવાનો પર આતંકી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, શહીદોના પરિવાર પ્રત્યે અમારી સંવેદના અને ભગવાનને પ્રાર્થના છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી અપેક્ષા. આતંક અને દુષ્ટ પરિબળો સામે લડવા આખો દેશ સંગઠિત બનીને ઊભો છે.

• કાયરતાભર્યો આતંકી હુમલોઃ ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સીઆરપીએફ કાફલા પરના હુમલાને આકરા શબ્દોમાં વખોડયો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, કાયરતાભર્યા હુમલાથી આઘાતમાં સરી પડયો છું. શહીદ જવાનોના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ અને દુઃખ વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના.

• પરિવારના સભ્ય ગુમાવવાનું દર્દ સમજું છું: પ્રિયંકા
લખનઉમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સાંજે યોજાનારી તેમની પ્રેસ કોન્ફરન્સ રદ કરી હતી. તેમણે કાર્યકરો સાથે બે મિનિટ મૌન પાળીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ જવાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તેમણે કહ્યું હતું કે પરિવારના સભ્ય ગુમાવવાનું દર્દ હું સમજું છું. મારા મતે હાલ રાજકારણ પર ચર્ચા કરવાનો સમય નથી.

• આકરા પગલાંની આશા: ભાગવત
આતંકવાદી હુમલા અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ ઘટના સામે સરકાર આકરી પ્રતિક્રિયા આપે તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા કરાયેલો કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. સંઘ પરિવાર તેની આકરી નિંદા કરે છે. આ ઘટના અંગે અમને આશા છે કે, સરકાર નક્કર પગલાં લેશે. સરકાર એક્શન મોડમાં આવે તેવી અમને આશા છે. આપણે ઘણું બધું સહન કર્યું છે અને હજી કરીએ જ છીએ તે આ ઘટના ઉપરથી સાબિત થાય છે.

અન્ય નેતાઓના પ્રત્યાઘાત

• આતંકી હુમલાની નિંદા કરવા માટે મારી પાસે શબ્દો બચ્યા નથી. આતંકીઓએ કાયરતાપૂર્વક હરકત કરી છે.
- મહેબૂબા મુફતી, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન

• કાશ્મીર ખીણમાં ફરી એક વાર ૨૦૦૪-૦૫ જેવો માહોલ બની રહ્યો છે. વધુ એક ફિદાયીન હુમલો.
- ઓમર અબ્દુલા, નેશનલ કોન્ફરન્સના નેતા

• પુલવામામાં આતંકીઓએ ફરી એક વાર કાયરાના હરકત કરી છે. ઉરી, પઠાણકોટ, અને હવે પુલવામા હુમલો. મોદી સરકારના રાજમાં આતંકી હુમલાઓ વધ્યા.
- રણદીપ સુરજેવાલા, કોંગ્રેસના પ્રવક્તા

• પુલવામા હુમલાને દર્શાવવા મારી પાસે શબ્દો ખુટી પડયાં છે. શહીદ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
- મમતા બેનરજી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન

• પુલવામા હુમલો આતંકીઓનું હિચકારું કૃત્ય. શહીદ પરિવાર પ્રત્યે મારી સંવેદના.
- પિયુષ ગોયલ, કેન્દ્રીય પ્રધાન

• જવાનોની શહાદત પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. પુલવામા હુમલાને આકરા શબ્દોમાં વખોડું છું.
- નવીન પટનાયક, ઓડિસાના મુખ્ય પ્રધાન


comments powered by Disqus