નવી દિલ્હી, ઝાંસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આકરો સંદેશ અને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓના આકાઓ અને તેના સમર્થકોએ ભારત ઉપર કરાયેલા આ હુમલાની મોટી કિંમત ચૂકવવી પડશે. સેનાને સંપૂર્ણ છૂટ અપાઇ છે. આતંકીઓ સામે બદલો લેવા માટે જે કંઇ કાર્યવાહી કરવી પડે તે સેના જાતે કરશે. સમય, સ્થળ અને સ્વરૂપ પણ સેના જ નક્કી કરશે અને હિસાબ ચૂકતે કરાશે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, આપણા દેશના જવાનોએ આપણા દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યું છે, તેમનું આ બલિદાન વ્યર્થ ન જવા દેવાય. આતંકવાદીઓ અને તેમના આકાઓને આ હુમલાનો ચોક્કસ જવાબ આપવામાં આવશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે છે. સમગ્ર દેશ તેમની પડખે છે.
વડા પ્રધાને પુલવામા હુમલાના બીજા દિવસે ઝાંસી ખાતે સભાને સંબોધન કર્યું હતું. ભારતની સેમિ-બુલેટ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સ્પ્રેસને લીલી ઝંડી બતાવવાના પ્રસંગે વડા પ્રધાને દેશજોગ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની હાલત પહેલેથી જ ખરાબ કરેલી છે, તે મોટા દેશોથી વિખૂટો પડી રહ્યો છે. મહાસત્તાઓ પાસે ભીખ માગી રહ્યો છે, તેની હાલત વધારે ખરાબ કરાશે.
‘આ આક્ષેપોનો સમય નથી’
મોદીએ કહ્યું હતું કે હું અપીલ કરું છું કે, આ કોઈ રાજકીય આરોપ-પ્રત્યારોપ કે પછી આક્ષેપનો સમય નથી. આપણે એકસંપ થઈને આ સ્થિતિનો સામનો કરવાનો છે. આ લડાઈ હવે ભારત લડશે અને જીતવા માટે લડશે. ટીકા કરનારાઓની લાગણીઓ હું સમજું છું, તેમને ટીકા કરવાનો પણ પૂરતો અધિકાર છે, તેમ છતાં હું તમામ સાથીઓને વિનંતી કરું છું કે, આ ખૂબ જ સંવેદનશીલ અને ભાવુક સમય છે, તેમાં એકજૂથ થઈને મુકાબલો કરવો જોઈએ.
‘પાક.ના મનસૂબા સાર્થક નહીં થાય’
પાકિસ્તાન અત્યારે સાવ બેહાલ છે. આવી સ્થિતિમાં તે ભારત ઉપર હુમલા કરાવીને તેને પણ ડામાડોળ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના મેલા મનસૂબા ક્યારેય સાર્થક થવા દેવાશે નહીં. આપણો પાડોશી દેશ એ ભૂલી રહ્યો છે કે, ભારતનાં ૧૩૦ કરોડ લોકો તેને જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે. પાકિસ્તાન એ ભૂલી ગયો છે કે, આ નવી રીતિ-નીતિ ધરાવતો ભારત દેશ છે, તેની છત્રછાયા હેઠળ કામ કરતાં જે આતંકી સંગઠનોએ આ હેવાનિયત બતાવી છે તેનો પૂરો હિસાબ કરાશે.
‘ન ભૂલેંગે, ન માફ કરેંગે...’ઃ સીઆરપીએફ
હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનોની શહાદતનો બદલો લેવા સીઆરપીએફે પ્રતિજ્ઞા લીધી છે. સીઆરપીએફ જવાનોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, હુમલાને ભૂલીશું નહીં કે હુમલાખોરોને છોડીશું નહીં. જવાનોની શહાદતનો બદલો લઈને રહીશું. સીઆરપી-એફનાં ટ્વિટર હેન્ડલ પરથી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. સીઆરપીએફ વડાએ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘હમ ન ભૂલેંગે, ન માફ કરેંગે. પુલવામામાં શહીદ થયેલા અમારા જવાનોને અમે સલામ કરીએ છીએ. અમારા શહીદભાઈઓના પરિવારની સાથે અમે ખભેખભા મિલાવીને ઊભા છીએ. આ ઘૃણાસ્પદ હુમલાનો બદલો લઈને રહીશું.’

