અમદાવાદઃ કરાચી સહિતના વિસ્તારોમાંથી આઈએસઆઈના એજન્ટો સ્થાનિક પાકિસ્તાની લોકોને તાલીમ આપીને ભારતમાં જાસૂસી માટે અને હેન્ડલર તરીકે કચ્છમાં મોકલતા હોવાની શંકા સેવાઈ રહી છે. અલબત્ત, આ અંગે સરકાર જરા પણ ગંભીર નથી.
સુરક્ષા જવાનો પરના આતંકી હુમલાને લઈને દેશની સલામતીનો મુદ્દો ચર્ચાને એરણે ચડયો છે. તેવા સમયે ગુજરાતની વાત કરીએ તો કચ્છની જમીનની ૩૧૮ કિ.મી. બોર્ડર પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આમ તો આ બોર્ડર વિસ્તાર સપાટ રણપ્રદેશ છે. જ્યાં માનવ વસવાટ નથી, પરંતુ આ બોર્ડર ક્રોસ કરીને કેટલાય પાકિસ્તાની નાગરિકો અત્યાર સુધીમાં કચ્છમાં આવી ગયા છે. ભુજના સિનિયર સરકારી વકીલ રહી ચૂકેલા રત્નાકર ધોળકિયા કહે છે કે, ૧૯૮૬માં કચ્છના લખપત સહિતના સરહદી વિસ્તારમાં ૧ર૪ પાકિસ્તાની નાગરિકો વસતા હોવાનું જાણમાં આવ્યું હતું. સાધન-સુવિધાના અભાવે ઊંટ અને ઘોડા પર ફરીને તથા પગપાળા ચાલીને આ અંગેનો તૈયાર કરેલો રિપોર્ટ આધાર-પુરાવા સાથે સરકારમાં જમા કરાયો હતો.
વાહન અને સંદેશા વ્યવહારની સુવિધા વધતા આ ઘૂસણખોરોની સંખ્યા વધીને હાલમાં આશરે ૩૦૦-૪૦૦ કે તેથી વધુ થઈ હશે. વર્ષોથી કચ્છમાં સામાન્ય નાગરિક તરીકે રહેતા કેટલાક પાકિસ્તાની જાસૂસો દ્વારા સ્થાનિક લોકોનો વિશ્વાસ કેળવી સંવેદનશીલ માહિતી એકત્ર કરી ઈન્ટરનેટ, કમ્પ્યુટર અને મોબાઈલના માધ્યમથી પાકિસ્તાનમાં મોકલાતી હોઈ શકે છે.
માછીમાર, ખેડૂત કે માનસિક અસ્થિર જેવા લોકોના સ્વાંગમાં રહેતા આવા પાકિસ્તાની નાગરિકો જાસૂસ કે હેન્ડલર હોવાની શક્યતા નકારી શકાતી નથી. દેશની સલામતી સાથે જોડાયેલા આ મામલામાં સરકારે આજ સુધીમાં ગંભીરતા દાખવી નથી.
