ગાંધીનગરઃ પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંઘ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ૫૧ ટોચના નેતા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર અર્થે આવશે. વલસાડમાં કોંગ્રેસના સંમેલન બાદ ૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી સીડબલ્યુસીની બેઠક યોજવાનું જાહેર કરાયું છે.
કોંગ્રેસમાં ચૂંટણી, ટિકિટ ફાળવણીથી લઈને તમામ પ્રકારના નીતિ વિષયક બાબતો સંદર્ભેના નિર્ણયો સીડબ્લ્યુસીની હાઈપાવર કમિટીમાં લેવાય છે. લોકસભા ચંટણી પૂર્વે અમદાવાદમાં તેની બેઠકનું આયોજન છે. લાંબા સમય બાદ ગુજરાતમાં પહેલીવાર મળી રહેલી આ પ્રકારની બેઠકમાં કોંગ્રેસ પ્રથમ હરોળના ૫૧ નેતાઓ હશે. આ બેઠકમાં દેશભરમાં ચૂંટણીપ્રચાર, ઉમેદવારોની પસંદગી, સંગઠનના સ્તરે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓને જવાબદારીની વહેંચણી જેવા મુદ્દે નિર્ણય લેવાશે. ગત વર્ષે રાષ્ટ્રીય અધ્યક્ષપદ સંભાળ્યા બાદ રાહુલ ગાંધીના વડપણમાં મહારાષ્ટ્રમાં સીડબલ્યૂસીની બેઠક મળી હતી. ત્યાર બાદ ગુજરાતમાં બીજી બેઠક મળશે.

