અમદાવાદ: ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રૂ. ૩૦ લાખની સોપારી શંશીકાંત ઉર્ફે બિટિયા દાદાને આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે શંશીકાત અને અશરફ શેખને સાપુતારાના તોરણ ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધા છે. સોપારી કિલર શંશીકાત અને અશરફની ધરપકડ પરથી હત્યાનો ભેદ ખૂલ્યો છે. સીટે ઝડપેલા બે આરોપીમાં શશીકાંત ઉર્ફે બિટિયાદાદા સામે ખૂન, લૂંટ, ધમકી સહિત ૧૫ ગુના અને અશરફ શેખ સામે ચોરીના ચાર ગુના પૂણેમાં નોંધાયા છે. શશીકાંતને પૂણેમાંથી તડીપાર પણ કરાયો છે.
રૂ. ૩૦ લાખમાં સોદો
પોલીસે જણાવ્યું છે કે, શશીકાંત અને અશરફ પાસેથી મળેલી માહિતી પ્રમાણે જયંતી ભાનુશાળીની હત્યા થઈ તેના બે માસ પહેલાં પૂણેના એક મોલમાં શંશીકાત અને છબીલ પટેલ મળ્યા હતા. છબીલે ભાનુશાળીની હત્યા માટે રૂ. ૩૦ લાખમાં સોદો કર્યો હતો. ભાનુશાળી ખોટા કેસ કરી હેરાન કરતો હોવાથી તેની હત્યા કરવાની છે તેમ છબીલ પટેલે આરોપીને જણાવ્યું હતું. આ પેટે રૂ. પાંચ લાખ એડવાન્સ આપ્યા બાદ હથિયાર અને વાહનની ખરીદી શૂટરોએ કરી હતી. તે પછી છબીલ પટેલ ત્રણ વખત કારમાં શશીકાંતને ભુજ રેકી માટે લઈ ગયા હતા. ભાનુશાળીની હત્યા તેમના ઘર પાસે નહીં થઈ શકે તેમ જણાવી ટ્રેનમાં હત્યા થાય તેવું આયોજન થયું હતું.
૩૦મી ડિસેમ્બરે પ્લાન ફેલ
છબીલ પટેલે પોતાની પરના કેસ પતે પછી હત્યા માટે ભુજ બોલાવશે તેમ શશીકાંતને જણાવ્યું હતું. ૨૪મી ડિસેમ્બરે શશીકાંતને નારાયણી ફાર્મમાં બોલાવ્યો બાદમાં અશરફ પણ ફાર્મ હાઉસમાં પહોંચ્યો હતો. ૧૦થી ૧૨ દિવસ રોકાયેલા હત્યારા ફોનનો ઉપયોગ માત્ર વીડિયો જોવા પૂરતો કરતા અને ફાર્મની બહાર પણ નીકળતા ન હતા. ભાનુશાળીએ ડિસેમ્બરના અંતમાં પણ ટ્રેનની મુસાફરી કરી હતી, પણ તેમના કોચની માહિતી ના મળતાં ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ તેમની હત્યાનો પ્લાન પડતો મુકાયો હતો. ૭મી જાન્યુઆરી, ૨૦૧૯ના દિવસે ભાનુશાળી જે કોચમાં મુસાફરી કરવાના હતા તેની માહિતી મળી હતી.
તે દિવસે આરોપીઓ જનરલ ટિકિટ લઈને ભાનુશાળી જે ફર્સ્ટ કલાસના ડબ્બામાં હતા તેના ટોયલેટમાં જતા રહ્યા હતા અને યોજના મુજબ ભાનુશાળીની સામખિયાળી પાસે હત્યા કરીને રાત્રે ૧૨.૪૫ વાગ્યે ચેઈન પુલિંગ કરીને ટ્રેનમાંથી ઉતરી ગયા. એ પછી બાઈક પર બેસીને રાધનપુર-પાલનપુર તરફ થઈ આબુથી પૂણે ટ્રેનમાં પહોંચી ગયા હતા. પુણેથી આરોપીઓ બે વખત કુંભના મેળામાં ગયા અને કટરાના ચક્કર માર્યા હતા.
હત્યાનો ઘટનાક્રમ
ભાનુશાળીના જે કમ્પાર્ટમેન્ટમાં હતા તેનો દરવાજો શશીકાંતે ખખડાવ્યો હતો. દરવાજો ભાનુશાળીએ ખોલ્યો હતો. શશીકાંતે કહ્યું હતું કે, ‘યહાં હમારી સીટેં હૈ’
‘જીસકી સીટ હૈ વો સબ યહાં પે હૈ’ તેમ કહી ભાનુશાળી દરવાજો બંધ કરતા હતા ત્યારે શશીકાંતે દરવાજાને ધક્કો માર્યો અને અશરફે ભાનુશાળીની છાતીમાં ગોળી મારી દીધી હતી. તે પછી ભાનુશાળી ઢળી પડયા હતા અને શશીકાંતે તેમના માથામાં ગોળી મારીને ચેઈન પુલિંગ કર્યું હતું.

