ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોથી અને પાંચમી માર્ચ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત બાદ છઠ્ઠી માર્ચ કે ત્યારપછીના દિવસોમાં ગમે ત્યારે લોકસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થશે તેમ મનાય છે.
અમદાવાદ સિવિલ સંકુલમાં નવનિર્મિત હોસ્પિટલના લોકાર્પણ, મેટ્રો રેલને ફ્લેગ ઓફ જેવા કાર્યક્રમો માટે મોદી અગાઉ ૨૭મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે હશે તેવો સંભવિત કાર્યક્રમ વડા પ્રધાન કચેરી તરફથી સૂચવાયો હતો. તેના બદલે હવે તેઓ ૪-૫ માર્ચે ગુજરાતમાં આવી રહ્યા છે. તેવું ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલયના સૂત્રોએ કહ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં પાટીદાર સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. તેવી વકી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગરમાં પણ સરકારી પ્રોજેક્ટના લોકાર્પણ, કાર્યારંભ કરશે. વલસાડમાં રાહુલ ગાંધીની સભા બાદ તાપીમાં પણ મોદીની જાહેરસભાનું આયોજન થઈ શકે તેમ છે.

