શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સોમવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીને ઠાર કરાયા હતા. ૧૮ કલાક ચાલેલી અથડામણમાં પુલવામા આત્મઘાતી હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનની આતંકી ગાઝી કામરાન રાશિદ તેમજ સ્થાનિક આતંકી હિલાલ અહમદ અને અન્ય એક આતંકીને ઠાર કરાયા હતા. પુલવામા હુમલાના માત્ર ૧૦૦ કલાકમાં જ ભારતીય સુરક્ષા જવાનોએ માસ્ટર માઇન્ડ સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.
જોકે આતંકીઓ સાથેની મૂઠભેડમાં ૫૫ રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર સહિત પાંચ જવાનો શહીદ થયા હતા અને પાંચને ઈજા થઈ હતી. આ ઉપરાંત એક નાગરિકનું મોત થયું હતું. ક્રોસ ફાયરિંગમાં માર્યા ગયેલા નાગરિકનું નામ મુશ્તાક અહમદ છે, જેનાં ઘરમાં આતંકીઓ છુપાયા હોવાનું મનાય છે. સુરક્ષા દળોએ જે મકાનમાં આતંકીઓ છુપાયા હતા તેને ફૂંકી માર્યા પછી ત્યાંથી બે આતંકીઓના મૃતદેહ મળ્યા હતા. તે વખતે સુરક્ષા દળો પર ફરી ફાયરિંગ શરૂ થયું હતું. ૧૮ કલાક સુધી ચાલેલા ફાયરિંગમાં આખરે ત્રીજા આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો હતો.
સુરક્ષા દળોને બાતમી મળી હતી કે પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ગાઝી ઉર્ફે કામરાન રાશિદ પુલવામાથી ૧૦ કિ.મી. દૂર પિંગલિના ગામમાં છુપાયો છે, આ પછી ૫૫મી રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનો, સીઆરપીએફ તેમજ કાશ્મીર પોલીસે આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો હતો.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, તમે જોઈ શકો છો કે સુરક્ષા જવાનોએ કેવી રીતે આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય ભારતીય જવાનોનો જુસ્સો બુલંદ છે.
૪ દિવસમાં ૪૬ શહીદ
ચાર જ દિવસમાં રાજ્યમાં આતંકી ઘટનાઓમાં ૪૬ જવાનોએ શહીદી વહોરી છે, ૧૪મીએ હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા. ૧૬ ફેબ્રુઆરીએ નૌશેરા સેક્ટરમાં આઈઈડીને ડિફ્યૂઝ કરતી વખતે વિસ્ફોટ થતાં આર્મીના મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. અને હવે ગાઝી સાથેના એન્કાઉન્ટર દરમિયાન અધિકારી સહિત પાંચ જવાન શહીદ થયા છે.
વિરોધ - પથ્થરમારો
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ગાઝી ઠાર મરાયાના અહેવાલો પછી આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સુરક્ષા દળો પર ભારે પથ્થરમારો કર્યો હતો. આ પછી પુલવામા અને આસપાસના વિસ્તારોમાં કરફ્યુ લદાયો હતો. ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી. પથ્થરબાજોએ પાકિસ્તાનતરફી સૂત્રો પોકાર્યા હતા.
સૌથી મોટો આતંકી હુમલો
૧૪ ફેબ્રુઆરીએ પેરા-મિલિટરી ફોર્સના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા જ્યારે ૨૦થી વધુને ગંભીર ઇજા થઇ છે. કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર થયેલો અત્યાર સુધીનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. પુલવામાના અવંતીપોરા ખાતે ગોરીપારા વિસ્તારમાંથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ૨૫૦૦ જવાનોનો કાફલો ૭૨ બસમાં હારબંધ પસાર થઇ રહ્યો હતો ત્યારે જૈશ-એ-મોહમ્મદના ફિદાઇન હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કાર અથડાવી દીધી હતી.
હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વીકાર્યા બાદ લોકોમાં પાકિસ્તાન-વિરોધી આક્રોશ ફાટી નીકળ્યો છે. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની જેહાદી સંગઠન છે. તેની સ્થાપના મૌલાના મસૂદ અઝહરે કરી હતી. હાલ તેનો ભાઈ મૌલાના રઉફ અસગર જૈશનો વડો છે. ભારત, અમેરિકા અને બ્રિટને જારી કરેલી આતંકવાદીઓની યાદીમાં પણ જૈશ સામેલ છે.
પાક.થી આવ્યા આતંકી
આતંકવાદીઓએ જવાનોનાં બે વાહનોને નિશાન બનાવ્યા હતાં. પાકિસ્તાનમાં પાંચમી ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદની રેલી યોજાઈ હતી. આ રેલી બાદ આતંકવાદીઓની ૭ ટુકડી ભારતમાં આતંક ફેલાવવા રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કરાચી ખાતે જૈશ-એ-મોહમ્મદની રેલીમાં મૌલાના મસૂદ અઝહરનો નાનો ભાઈ અને જૈશનો વડો મૌલાના અબ્દુલ રઉફ અસગરે ભારતના અનેક વિસ્તારોમાં આતંકવાદી હુમલા કરવાની જાહેરાત કરી હતી. રેલીને સંબોધતા અસગરે જણાવ્યું હતું કે, આગામી વર્ષે ફરી એક વખત કાશ્મીર સોલિડારિટી ડે ઊજવવામાં આવશે અને ત્યારે દિલ્હીમાં કેર વર્તાઈ જશે.
તાલીબાનો જેવો હુમલો
આ ઘટનામાં પણ જૈશ-એ-મોહમ્મદની સ્થાનિક યુવાનોને ઉશ્કેરીને આતંકના રસ્તે લઈ જવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આતંકવાદીઓએ જે રીતે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરવામાં આવતા હોય છે તે જ રીતે આ હુમલો કર્યો છે. આ ફિદાઇન હુમલામાં સ્થાનિક યુવક આદિલ ડારનો ઉપયોગ કરાયો છે.
અફઘાનિસ્તાનમાં તાલીમ
સૂત્રોના મતે આદિલને તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી. તેને અફઘાન મુજાહિદ જૈશના આતંકવાદી રસીદ ગાઝીએ તાલીમ આપી હતી. તેણે કાશ્મીરના સ્થાનિક યુવાનોને આતંકવાદના રસ્તે વાળવાની જવાબદારી સ્વીકારી છે. રાશિદ ગાઝી રિમોટ વડે ઓપરેટ થતા આઇઈડી વિસ્ફોટક બનાવવામાં એક્સપર્ટ છે.
કાશ્મીર ખીણ પ્રદેશમાં છેલ્લાં કેટલાય સમયથી આતંકવાદીઓનો સફાયો કરવાનો સિલસિલો સેના દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જૈશના આતંકવાદીઓ ઉસ્માન અને તલહા રશીદને સેનાએ ઠાર કર્યા બાદ આદિલ વધારે વ્યથિત થઈ ગયો હતો. ઉસ્માન અને તલહા રશિદ જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના અનુક્રમે ભત્રીજો અને ભાણિયો હતા. તેમના મોતનો બદલો લેવા માટે જ મસૂદ ઘણા સમયથી ષડયંત્ર કરી રહ્યો હતો.
હાઇ કમિશનર પરત
આતંકી હુમલા પછી સ્થિતિની સમીક્ષા કરવા અને ચર્ચા કરવા ભારત સરકારે પાકિસ્તાન ખાતેના ભારતના હાઇ કમિશનર અજય બિસારિયાને ભારત બોલાવ્યા છે. વિદેશ મંત્રાલયે પુલવામા હુમલાથી સર્જાયેલી સ્થિતિની તેમની સાથે ચર્ચા કરી હતી. સાથોસાથ હુમલા સામે વિરોધ નોંધાવવા ભારત ખાતેના પાકિસ્તાની હાઇ કમિશનરને બોલાવ્યા હતા.
બીજી તરફ, ભારત સાથે તંગદિલી સર્જાયા પછી પાકિસ્તાને ભારત ખાતેના તેના હાઈકમિશનર સોહૈલ મહમૂદને ચર્ચાવિચારણા માટે પાકિસ્તાન પરત બોલાવ્યા છે.
શહીદોને દેશની શ્રદ્ધાંજલિ
પુલવામામાં શહીદ થયેલા ૪૦ સીઆરપીએફ જવાનોને શનિવારે દેશે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. આ જવાનો ૧૬ રાજ્યોના છે. દરેક શહીદની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. લોકો હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જય, શહીદો અમર રહેના સૂત્રો પોકારતા આગળ વધી રહ્યા હતા.
રોષે ભરાયેલા લોકોએ પાકિસ્તાનનો ઝંડો અને વડા પ્રધાન ઇમરાન ખાનનું પૂતળું પણ સળગાવ્યું હતું. એક અહેવાલ અનુસાર ૪૦ જવાનોની અંતિમયાત્રામાં અંદાજે ૨૦થી ૨૫ લાખ લોકો જોડાયા હતા. દરેક શહીદની અંતિમયાત્રામાં એક કેન્દ્રીય પ્રધાન હાજર રહ્યા હતા. બિહાર, તમિલનાડુ, બંગાળ, ઉત્તરાખંડ વગેરે રાજ્યોના મુખ્ય પ્રધાન હાજર રહ્યા. શહીદોમાં સૌથી વધુ ૧૫ ઉત્તર પ્રદેશના છે.

