ગાંધીનગરઃ ઢોકળા, દાંડિયા અને ડાયમંડ માટે પ્રખ્યાત ગુજરાતની ઓળખમાં હવે કૌશલ્યતા અને સાહસિકતાનો ઉમેરો થયો છે, જ્યારે લેન્ડ ઓફ કલ્ચર ધરાવતો ભારત દેશ હવે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીમાં પરિણમ્યો છે. આ સમયે સમસ્ત વિશ્વની નજર ગુજરાત તરફ મંડાયેલી છે, એમ ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ કહ્યું હતું. રવિવારે નવમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, એફડીઆઈ (સીધા વિદેશી મૂડીરોકાણ)ની બાબતમાં ભારતે ચીનને પાછળ રાખી મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન તરીકે સ્થાન મેળવ્યું છે. એક અભ્યાસ મુજબ આવતા પાંચ વર્ષમાં દેશમાં ૭૫ બિલિયન ડોલરની એફડીઆઈ આવશે અને ૨૦૩૦ સુધીમાં ભારતનું અર્થતંત્ર ૧૦ ટ્રિલિયન ડોલરનું થશે.
નાયડુએ કહ્યું હતું કે, વિશ્વ સામે આજે આતંકવાદ, ક્લાઈમેટ ચેન્જ અને ભ્રષ્ટાચારના ત્રણ મુખ્ય પડકારો છે. આતંકવાદનો અનુભવ ના થયો હોય તેવો કોઈ દેશ બચ્યો નથી ત્યારે આતંકવાદને ડામવા અને શાંતિ સ્થાપવા સહિયારા પ્રયાસોની આવશ્યકતા છે. તો ક્લાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા દરેકેદરેક દેશે પ્રો-એક્ટિવ પગલાં લેવાની જરૂર છે, જ્યારે ભ્રષ્ટાચાર એ તો રગેરગમાં વ્યાપેલી સમસ્યા છે. એક વ્યક્તિ બીજા સાથે હાથ મિલાવે તો તેમાંય લેતીદેતી થતી હોવાનો ભાસ થાય છે અને આ સમસ્યા એકલા ભારતની જ નહીં, વૈશ્વિક છે. આ માહોલમાં ગેરકાયદે બેન્ક એકાઉન્ટમાં રહેલા કાળા નાણાં સંબંધિત વિગતોની દુનિયાના દેશો એકબીજા સાથે આપ-લે કરે તે આવશ્યક છે.
રોકાણકારો માટે હવે ગુજરાત ગ્લોબલ ઓફિસ: રૂપાણી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન સમારોહને સંબોધતા કહ્યું હતું કે, આ સમિટમાં દેશના અને ૧૩૫ દેશોના કુલ ૪૨ હજાર પ્રતિનિધિઓનું પાર્ટિસિપેશન ગુજરાતની વૃદ્ધિ અને કાર્યદક્ષતા તરફ ઈશારો કરે છે. ગુજરાતે દુનિયા સાથે બ્રાન્ડિંગનો જ નહીં, પણ બોન્ડીંગનો નાતો પ્રસ્થાપિત કર્યો છે. ગુજરાત હવે વૈશ્વિક રોકાણકારો માટે ગ્લોબલ ઓફિસ બન્યું છે અને દસેય દિશાએ ગુજરાતની ખ્યાતિ વિસ્તરી છે. આ સમિટમાં અનેકવિધ ક્ષેત્રે કુલ ૨૮,૩૬૦ સમજૂતી કરારો હસ્તાક્ષર થયા છે, જેના અમલીકરણથી રાજ્યમાં યુવાધન માટે રોજગારીની વિપુલ તક સર્જાશે.
ધોલેરાને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલું સપનું ૨૦૧૯ની નવમી સમિટમાં સાકાર થયું છે અને ચીનની કંપની ધોલેરામાં ૩ બિલિયન ડોલરના રોકાણથી સ્ટીલ અને ઈલેક્ટ્રિક બેટરીના ઉત્પાદનનો પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું છે, જે બતાવે છે કે ગુજરાત હવે ગેટ વે ટુ ધ વર્લ્ડ સાબિત થઈ રહ્યું છે. આ વાતનો ગર્વભેર ઉલ્લેખ કરતાં મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાતના પગલે હવે દેશના બધા રાજ્યો આ પ્રકારની પરિષદ યોજતાં થયા છે. આમ ગુજરાત રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે.
કોંગ્રેસની આકરી ટીકા કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ૨૦૦૩માં જ્યારે ગુજરાત માટે ભારે કપરો સમય હતો ત્યારે વિરોધીઓએ ગુજરાતને બદનામ કરવા માટે કશું બાકી રાખ્યું ન હતું. આ સમયે પહેલી વાઇબ્રન્ટ સમિટ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ યોજી ત્યારે ટીકાકારોને ખબર નહોતી પડતી કે કઈ રીતે ટીકા કરાય. આવું તે કંઈ આયોજન થઈ શકે એવું ટીકાકારો કહેતા હતાં, પણ પહેલી વાઇબ્રન્ટ સફળતાપૂર્વક યોજી નરેન્દ્ર મોદીએ ટીકાકારોને ખોટા પાડયા. આમ કહીને મુખ્ય પ્રધાને શાયરી લલકારતા કહ્યું કે, અકેલે ચલે થે હમ મગર, લોગ જૂડતે ગયે, કારવાં બનતા ગયા. એમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ સમિટમાં નોલેજ શેરિંગ અને સીધા વિદેશી મૂડીરોકાણ માટે ૨૭ હજારથી વધુ પાર્ટનરશિપની રચના થઈ છે.
રૂ. ૮૫ હજાર કરોડના વાયદા કરી છૂ થઈ જનારા સાથે ફરી સમજૂતી કરાર
ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજયન (‘સર’)માં રૂ. ૮૫ હજાર કરોડનું જંગી રોકાણ કરવાની મોટી મોટી જાહેરાતો કરી ગુજરાત સરકાર સાથે કરાર કર્યા બાદ ૧૦ વર્ષ દેખા નહીં દેનાર સિંગાપોરના બિઝનેસમેન પ્રસૂન મુખરજી નવમી વાઇબ્રન્ટ સમિટના એક કન્વેન્શનમાં મંચ ઉપર ખાસ મહેમાન તરીકે હતા. એટલું જ નહીં, મુખ્ય પ્રધાન રૂપાણીની હાજરીમાં મુખરજી અને ગુજરાત વેપારી મહામંડળ (જીસીસીઆઇ) વચ્ચે કરાર પણ થયા હતાં. સિંગાપોર ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ ચેરમેનની રૂએ મુખરજીએ કરાર કર્યા હતાં. મુખરજીએ ૨૦૦૯માં ચોથી સમિટમાં તેમની કંપની યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઈસ તરફથી ધોલેરામાં ૮૫ હજાર કરોડનું રોકાણ કરીને ઔદ્યોગિક પાર્ક તેમજ જંગી પાવર પ્લાન્ટ સ્થાપવાના કરાર કર્યા હતા. જોકે બાદમાં તેમણે સરકારના અનેક પત્રો-મેસેજના જવાબ ન આપતા બધા પ્રોજેક્ટ પડતા મુકાયા હતાં.
વાઇબ્રન્ટ ગુજરાતઃ ઉડતી નજરે...
• ૧૩૫ દેશના ૪૨,૦૦૦ લોકોની હાજરી
• ૧,૦૫,૦૦૦ લોકોનું વિવિધ કાર્યક્રમ, સેમિનાર માટે રજીસ્ટ્રેશન
• ૪ દેશો ઉઝબેકિસ્તાન, માલ્ટા, ડેનમાર્ક, ચેક રીપબ્લિકના વડાની હાજરી. ૬ દેશોના ૭ પ્રધાનોની ડેલિગેશન સાથે ઉપસ્થિતિ
• ૩૦ દેશોના એમ્બેસેડર - હાઇ કમિશનરની સમિટમાં હાજરી
• ૧૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે સમિટમાં જોડાયા
• ૩૭ દેશોના કન્ટ્રી સેમિનાર યોજાયા
• ૬ રાજ્યો દ્વારા સ્ટેટ સેમિનારનું આયોજન
• ૨૪૫૮ બિઝનેસ-ટુ-બિઝનેસ, ૧૧૪૦ બિઝનેસ-ટુ-ગવર્ન્મેન્ટ મીટિંગ
• ૧૨૦૦ સ્ટોલમાં ગ્લોબલ ટ્રેડ શોમાં એક્ઝિબિશન
• ૪૫ દેશો ગ્લોબલ ટ્રેડ શોમાં જોડાયા
• ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના કરાર બાયર-સેલર મીટમાં થયા.

