મહાનુભાવોની ગુજરાતી મહેમાનગતિ
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાંચ દેશોના વડા પ્રધાન અને બે દેશોના પ્રમુખ સહિત ૧૧૫ દેશોમાંથી વિવિધ કંપનીઓના સીઇઓથી માંડીને ડેલિગેશન આવ્યા હતા. આ મહાનુભાવો માટે અમદાવાદ શહેરમાં ૧૨૫થી વધુ હોટલોમાં ૬ હજાર રૂમો બુક કરાયા હતા. ગુજરાતની સંસ્કૃતિ વિશે જાણકારી મળી રહે તે માટે પુસ્તકો-મેગેઝીન મૂકાયા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. હોટેલોમાં ડિલક્ષ રૂમથી માંડી સ્યુટનું બુકિંગ હતું.
નો નોન-વેજ, માત્ર શાકાહારી ભોજન
દેશ-વિદેશના મહાનુભાવો ગુજરાતી વાનગીઓનો ટેસ્ટ માણીને ખુશ થઇ ગયા હતા. લંચમાં એક ડિશ પાછળ રૂ. ૨૮૦૦નો તો ડીનર માટે એક ડિશ પાછળ રૂ. ૪૦૦૦નો ખર્ચ કરાયો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. લંચમાં મેથી ગોટા, પનીર લબાબદાર, રિંગણાનું ભરથું, રોટી, નાન, લચ્છા પરાઠા, પૂરી, બાજરી રોટી, ફુલકા, ઊંધિયું, મુંગ-દાળ કઠોળ, વેજ હાંડી લઝીઝ, ભીંડાનું શાક, જીરા રાઈસ, દાલતડકા, ચોકો-વોલનટ પુડિંગ, શ્રીખંડ, કેસર-પિસ્તા આઈસક્રીમ, મોહનથાળ, સલાડ, આલમન્ડ સૂપ વગેરે સર્વ થયા હતા. જ્યારે ડીનરમાં ખસ-લીંબુ શરબત, મસાલા છાસ, સલાડ, સુપ, પનીર મખની રોલ, મકાઈ પાલક કેપ્સિકમ, ફલાવર-વટાણા-ટામેટાંનું શાક, મિક્સ કઠોળનું શાક, ગુજરાતી કઢી, મસાલા ખીચડી, સ્ટીમ રાઈસ, હલવો, ચીઝ કેક, પાઈનેપલ-પપૈયા વગેરે ફ્રૂટ, રોસ્ટેડ કેરટ વગેરે પીરસાયા હતા.
દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો
સમિટના ભાગરૂપે ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટરમાં ૨ લાખ ચોરસ મીટરમાં દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાયો હતો. ઉદઘાટન બાદ વડા પ્રધાન મોદીએ સૌપ્રથમ મેઇક ઇન ઇન્ડિયા અને જાહેર સાહસોના સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં ‘ઇસરો’ દ્વારા પ્રદર્શિત દેશના પ્રથમ સ્પેસયાન ‘ગગનયાન’નું મોડેલ નિહાળ્યું હતું. ડીઆરડીઓએ ડિસ્પ્લે કરેલા ભારતીય બનાવટના ‘નાગ’ મિસાઇલનું મોડેલ પણ તેમણે નિહાળ્યું હતું. ઓટોમોબાઇલ થીમ પેવેલિયનની મુલાકાત લઈને દેશ-વિદેશની કંપનીના સીઇઓ-ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો હતો. મોદીએ આફ્રિકાના થીમ પેવેલિયનની મુલાકાત પણ લીધી હતી.
રાજકોટમાં પિસ્તોલનું ઉત્પાદન થશે
ડિફેન્સ સેક્ટરના સેમિનારમાં રાજકોટમાં ૧૨ બોર, ૦.૭ એમએમની પિસ્તોલનું ઉત્પાદન કરવા માટે રાસ્પિન નામની કંપનીએ સમજૂતી કરાર કર્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ઉત્પાદક લોકહિડ માર્ટિને પણ ગુજરાતની ૮ કંપનીઓ પાસે કોમ્પોનન્ટનું ઉત્પાદન કરાવશે તેમ જાહેર કર્યું હતું. વડોદરામાં સ્પેસ શુટ તૈયાર કરતી શ્યોર સેફ્ટી નામની કંપની અને ગુજરાત સરકાર વચ્ચે પણ કરાર કરાયા હતા.
ભીડ દેખાડવાનો આગવો આઇડિયા
વાઇબ્રન્ટ સમિટની ચમક આ વખતે એકંદરે નીરસ રહી છે. છેલ્લી બે વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાનોનો જે તામજામ જોવા મળતો હતો તેવો આ વખતે દેખાયો ન હતો. કેન્દ્ર સરકારના પ્રધાનોના જે ધાડેધાડા જોવા મળતાં હતા તે પણ નહોતા. દેશ-વિદેશના મહેમાનોની સંખ્યા પણ ઓછી હતી. મહાત્મા મંદિરમાં સમિટના બીજા અને ત્રીજા દિવસે ચા-કોફી પીવા માટે કતાર નજરે પડતી હતી. તો બીજી તરફ, આ જ સમયે સેમિનાર હોલ ખાલીખમ જોવા મળતા હતા. છેલ્લા દિવસે તો મહેમાનોની સંખ્યા દેખાડવા ભાજપના ૨૦૦ કાર્યકરોને સૂટ-બૂટ પહેરાવી બેસાડી દેવામાં આવ્યા હતા.
દિલ્હી, બેંગ્લોરથી જાતભાત ફૂલો
મહાત્મા મંદિરના મુખ્ય હોલમાં વાયબ્રન્ટ સમિટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ હોલના મુખ્ય સ્ટેજને ફૂલોથી VIBRANT GUJARAT GLOBAL SUMMIT 2019 લખીને શણગારાયું હતું. સ્ટેજના આ શણગાર માટે મુંબઈ અને દિલ્હીથી ૨૫ જણાની ટીમ આવી હતી. સજાવટ માટે બેંગ્લોર-દિલ્હીથી ૨૦થી વધુ જાતના દેશી-વિદેશી ફૂલો મંગાવાયા હતા. સેમિનાર હોલથી સ્ટેજ શણગારવા માટે ઢગલાબંધ ફૂલો પ્લેનમાં મંગાવાયા હતા.

