લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૩૧ ઓક્ટોબરની મહેતલ સુધીમાં બ્રેક્ઝિટ નૈયા પાર ઉતારવા કમર કસી છે ત્યારે મતદાનના મહાસંકટનો પહેલો કોઠો તેમણે પાર કરી લીધો છે. સાંસદોએ ૩૨૯ વિરુદ્ધ ૨૯૯ મતની તેમની બ્રેક્ઝિટ સમજૂતીને સમર્થન આપ્યું છે. જોકે, હજુ સમયપત્રકનો બીજો કોઠો પસાર કરવાનો બાકી છે. જોકે, ૭૨ કલાકમાં આ સમજૂતી બહાલ કરાવવાના તેમના મનસૂબાને પાર પાડવા નહિ દેવા વિપક્ષ અને બળવાખોરો મકક્કમ છે. સોમવારે સ્પીકર જ્હોન બેર્કોએ લેટવિન સુધારામાં સરકારની હાર પછી સમજૂતી પર મતદાન કરાવવાના વડા પ્રધાનના પ્રયાસ પર પાણી ફેરવી દીધું હતું. આ પછી સરકારે ૧૧૦ પેજના બ્રેક્ઝિટ બિલની હાઉસ ઓફ કોમન્સમાં રજૂઆત કરી હતી. જો સરકાર ‘યુરોપિયન યુનિયન (વીથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ) બિલ’ સમયસર પાર્લામેન્ટમાં પસાર કરાવી શકશે તો ૩૧ ઓક્ટોબરે ઈયુમાંથી બહાર નીકળવાની તક હજુ પણ રહેલી છે. વડા પ્રધાને મંગળવાર ૨૨ ઓક્ટોબરે બે મહત્ત્વના મુદ્દે સાંસદોનું સમર્થન મેળવવું પડશે. પહેલો મુદ્દો બ્રસેલ્સમાં ઈયુ નેતાઓ સાથે કરેલી બ્રેક્ઝિટ સમજૂતી પર બહાલી મેળવવાનો છે. જો આ બિલ પસાર થાય તે પછી બીજો મુદ્દો બ્રેક્ઝિટની ચર્ચા માટે ઘડેલા ત્રણ દિવસના સમયપત્રકને પસાર કરાવવાનો છે. જોકે, મતદાનને સેકન્ડ રેફરન્ડમ સાથે સાંકળી લેવાનો લેબર પાર્ટી દ્વારા પ્રયાસ થઈ શકે છે.
બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોએ બ્રેક્ઝિટ ડીલ સંદર્ભે ઓલિવર લેટવિન સુધારો ૩૨૨ વિરુદ્ધ ૩૦૬ મતે પસાર કરીને વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને મોટો આંચકો આપ્યો છે. આના પરિણામે, બ્રેક્ઝિટ સમજૂતી પરનું મતદાન એક સપ્તાહ લંબાઈ ગયું છે અને વડા પ્રધાને બ્રેક્ઝિટ લંબાવવાની વિનંતી ઈયુને કરવી પડી છે. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટને આશા છે કે ઈયુના નેતાઓ ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી બ્રેક્ઝિટ લંબાવવા પરવાનગી આપશે નહિ. જ્હોન્સને ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ઈયુ સાથે વિલંબ મુદ્દે કોઈ વાટાઘાટો કરશે નહિ. બ્રેક્ઝિટના ૭૨ કલાક અગાઉ જ ૨૮ ઓક્ટોબરે ઈયુની વિશેષ બેઠક છે ત્યાં સુધી એક્સ્ટેન્શન વિશે નિર્ણય મુલતવી રહી શકે છે. આ ગાળા સુધીમાં સમજૂતી કોમન્સમાં પસાર કરાવવા અંગે ડાઉનિંગ સ્ટ્રીટ આશાવાદી છે. સરકારની બ્રેક્ઝિટ સમજૂતીના ઠરાવમાં સ્વતંત્ર સાંસદ સર ઓલિવર લેટવિને સુધારો રજૂ કર્યો હતો, જેના પર પહેલા મતદાન યોજાયું હતું અને કોમન્સે ૩૨૨ વિરુદ્ધ ૩૦૬ મતે સુધારો પસાર કર્યો હતો. આ સુધારામાં જણાવાયું છે કે બ્રેક્ઝિટ સંબંધી મુખ્ય કાયદો પસાર ન થાય ત્યાં સુધી વડા પ્રધાનની સમજૂતી પર સંસદીય બહાલી અટકાવી દેવાશે. હવે સરકારે બેન એક્ટ અન્વયે આર્ટિકલ-૫૦ને લંબાવવા વિનંતી કરવી પડશે તેમજ તે કેવી રીતે આ મામલે આગળ વધવા માગે છે તે પાર્લામેન્ટને જણાવવું પડશે. સરકારે અગાઉ જ જણાવ્યું હતું કે જો લેટવિન સુધારો પસાર કરાશે તો જ્હોન્સનની નવી સમજૂતી પર મુખ્ય મતદાનને સસ્પેન્ડ કરાશે.
જોકે, પરિણામો જાહેર કરાયાની થોડી ક્ષણો પછી જ્હોન્સને ભારપૂર્વક કહ્યું હતું કે આ મોટી પીછેહઠ નથી. તેઓ ઈયુ સાથે વિલંબ મુદ્દે વાટાઘાટો કરશે નહિ અને કાયદો તેમને ફરજ પાડી શકશે નહિ. કોઈ વિલંબ થશે નહિ અને ૩૧ ઓક્ટોબરે બ્રેક્ઝિટ માટે તમામ પ્રયાસ કરતા રહેશે. ઠરાવ પસાર થયા પછી સર લેટવિને કોમન્સને જણાવ્યું હતું કે તેમનો ઠરાવ રાષ્ટ્રીય હિતમાં હોવાનું તેઓ માને છે. વડા પ્રધાનની સાથે તેઓ પણ આશા રાખે છે પરંતુ કોઈ ગરબડ થાય તો આપણે છેલ્લી તારીખે સમજૂતી વિના તો બહાર નહિ નીકળીએ. લેબરનેતા જેરેમી કોર્બીને લેટવિન સુધારાની તરફેણમાં મતદાન કરવા બદલ સાંસદોને અભિનંદન આપતા કહ્યું હતું કે, સમજૂતી વિના ઈયુમાંથી બહાર નીકળવાની વિરુદ્ધ આ મતદાન થયું છે.
જ્હોન્સનની સમજૂતીનું ભાવિ હવે બળવાખોર સાંસદો તેમજ ઈયુ નેતાઓ અને ખાસ કરીને ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના હાથમાં છે. ફ્રેન્ચ પ્રમુખ મેક્રોંની ઓફિસે સંકેત આપ્યો છે કે તેઓ વિલંબની તરફેણ કરશે નહિ કારણકે તે અર્થહીન હશે. વાટાઘાટોથી સમજૂતી કરી છે અને તેને બહાલી આપવી કે ફગાવવી તે બ્રિટિશ પાર્લામેન્ટનું કામ છે.
જ્હોન્સને ઈયુને ત્રણ પત્ર પાઠવ્યા
કોમન્સે લેટવિન સુધારો પસાર કર્યા પછી બોરિસ જ્હોન્સને ૧૯ ઓક્ટોબરની મધરાતની સમયમર્યાદા અગાઉ જ યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કને ત્રણ પત્રો પાઠવ્યા છે. આ ઐતિહાસિક પત્રવ્યવહાર બ્રેક્ઝિટ સમજૂતીને પસાર કરાવવાના પ્રયાસને ‘બળવાખોર ગઠબંધન’ દ્વારા નિષ્ફળ બનાવ્યો તેની સામે વડા પ્રધાનના કઠોર વલણને સ્પષ્ટ કરે છે. બેન કાયદા અન્વયે ફરજ પાડતા પ્રથમ પત્રમાં બ્રેક્ઝિટને ૩૧ ઓક્ટોબરથી વધુ લંબાવવા જણાવાયું છે. જોકે, આ પત્રમાં તેમની સહી નથી. બીજા કવરિંગ લેટરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રથમ પત્ર પાર્લામેન્ટ તરફથી છે, સરકાર તરફથી નહિ. આ પત્ર બ્રસેલ્સમાં યુકેના કાયમી પ્રતિનિધિ સર ટીમ બેરો દ્વારા લખાયો છે. ત્રીજો પત્ર બોરિસ જ્હોન્સન દ્વારા લખાયો છે જેમાં, બ્રસેલ્સને બ્રેક્ઝિટ નહિ લંબાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જ્હોન્સને પોતાનું વલણ જાળવી રાખતા ત્રીજા પત્રમાં લખ્યું છે કે તેઓ વિલંબ ઈચ્છતા નથી અને વધુ કોઈ પણ વિલંબ યુકે અને ઈયુ પાર્ટનર્સના હિતો માટે નુકસાનકારક બની રહેશે. તેમણે જણાવ્યું છે કે યુકે સમજૂતીને બહાલી આપવાની કાર્યવાહી આગળ વધારશે અને ઈયુએ પણ આમ કરવું જોઈએ. આ પત્ર ૨૭ ઈયુ દેશના નેતાઓને પણ મોકલી અપાયો છે.
ત્રણ પત્ર પાઠવવાના આ વ્યૂહ સામે રીમેઈનતરફી જૂથો દ્વારા કાનૂની પડકાર અપાશે તે નિશ્ચિત છે કારણકે વડા પ્રધાને બેન કાયદા અન્વયે લખવાના પત્રમાં સહી કરી નથી. જોકે, નંબર ૧૦ના કાનૂની નિષ્ણાતો કહે છે કે બેન એક્ટ વડા પ્રધાનને આવો પત્ર મોકલવાનો આદેશ કરે છે તેમાં સહી કરવાનો નહિ.
કોમન્સની ‘સુપર સેટરડે’ બેઠક
હાઉસ ઓફ કોમન્સની બેઠક સામાન્ય રીતે સોમવારથી ગુરુવાર દરમિયાન જ યોજાતી હોય છે અને ખાસ સંજોગોમાં શુક્રવારે પણ યોજાય છે. યુકે ૨૦૧૯ની ૩૧ ઓક્ટોબરે ઈયુમાંથી બહાર નીકળી રહ્યું છે ત્યારે શનિવાર ૧૯ ઓક્ટોબરે બોરિસ જ્હોન્સનની બ્રેક્ઝિટ સમજૂતી પર મતદાન કરવા કોમન્સની બેઠક યોજાઈ છે. જોકે, ‘સુપર સેટરડે’ એટલે કે શનિવારની અસામાન્ય બેઠક ૧૯૩૯ પછી માત્ર ચાર વખત યોજાઈ છે. ૧૯૩૯માં દ્વિતીય વિશ્વ યુદ્ધ ફાટી નીકળવા મુદ્દે તેમજ ૧૯૪૯ના જુલાઈમાં ઉનાળાના એડજર્નમેન્ટ અગાઉ સંસદીય કામકાજને પૂર્ણ કરવા જેવાં અસ્પષ્ટ કારણોસર બેઠક મળી હતી. આ પછી, ત્રીજી નવેમ્બર ૧૯૫૬માં સુએઝ કટોકટી સંદર્ભે વિચારવા તેમજ છેલ્લે, ૧૯૮૨ની ત્રીજી એપ્રિલે ફોકલેન્ડ્સ પરના આક્રમણના પ્રતિભાવ આપવા બેઠક મળી હતી.

