લેબર પાર્ટી દ્વારા કાશ્મીરની પરિસ્થિતિ વિશે પસાર કરાયેલા ઠરાવથી અત્યાર સુધી તો કાશ્મીરના લોકોનું કશું ભલું થયું નથી. પરંતુ, તેના લીધે યુકેમાં ભારતીય ડાયસ્પોરામાં પક્ષની છબીને ચોકક્સપણે ભારે નુક્સાન થયું છે. હકીકતે તો છેલ્લાં ૪૫ વર્ષથી અત્યાર સુધી હું લેબર પાર્ટીનો સમર્થક હતો. પરંતુ, હેરોલ્ડ વિલ્સન અને ટોની બ્લેરના ગયા પછી પાર્ટીમાં વાસ્તવિક નેતૃત્વની અછત જણાય છે.
પેરેગ્રાફ ૬ના ‘આંતરરાષ્ટ્રીય સમુદાયના સમર્થનથી ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય આધારે સાથે મળીને કામ કરવાની જરૂર છે’ તેવા નિવેદન સાથે હું સંમત નથી. પરિસ્થિતિનો ઉેકેલ લાવવા માટે વાસ્તવિક રીતે આંતરરાષ્ટ્રીય સમુદાયે શું કર્યું છે ?
સૌથી મહત્ત્વનું તો ‘દ્વિપક્ષીય આધાર’ વિશેની તેમની સમજ ખોટી છે. કાશ્મીરનો ઈતિહાસ જાણ્યા વિના અન્ય કોઈપણ દેશને કાશ્મીર સાથે કોઈ નિસ્બત નથી. કાશ્મીરના તે સમયના મહારાજ હરિસિંહે કાશ્મીરનું ભારતમાં વિલિનિકરણ કરવાનું પસંદ કર્યું હતું. આમ કાશ્મીર ભારતનો હિસ્સો બન્યું હતું.
ઘૂસણખોરી દ્વારા અથવા કાશ્મીરી લોકોના બ્રેઈનવોશિંગ દ્વારા કોઈપણ વ્યક્તિ તે ભારતની આંતરિક બાબત છે તે અને પરિસ્થિતિનો ઉકેલ લાવવાની જવાબદારી ભારતની છે તે હકીકતમાં ફેરફાર કરી શકે નહીં. આ ઠરાવ પસાર કરવાથી ભારતીય સમુદાયમાં લેબર પાર્ટીની છબી ખરડાઈ છે તે વાત ચોક્કસ છે અને જનરલ ઈલેક્શનમાં ચોક્કસપણે તેની પ્રતિક્રિયા જોવા મળશે.
પાર્ટીના નિર્ણય પર અન્ય બળોનો પ્રભાવ હોવો જોઈએ નહીં. આ પ્રકારની સંવેદનશીલ બાબતે કોઈપણ ગેરસમજને લીધે એકતાને હાનિ પહોંચી શકે. આ પ્રકારના ઠરાવો સમુદાયની એકતા અને સંવાદિતાને તોડવા સિવાય સમુદાયનું કશું સારું કરી શકે નહીં.
કોર્બીન માનવ અધિકાર વિશે વાતો કરે છે તે તેમનો દંભ છે. ૭૦૦,૦૦૦ કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી હાંકી કઢાયા હતા ત્યારે તેઓ ક્યાં હતા ? મહિલાઓ પર હુમલા થયા અને તેમના પર દુષ્કર્મ થયા ત્યારે તમે કે તમારા પક્ષે અવાજ ઉઠાવ્યો હતો ? ભારતને માનવ અધિકાર વિશે તમારી કે કોઈની શિખામણની જરૂર નથી.
કોર્બીને કથિત આઝાદ કાશ્મીર (પીઓકે) વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. કોર્બીને સ્વાર્થી બનીને માત્ર વોટબેન્ક તરીકે જોવું ન જોઈએ. તેમણે તટસ્થ બનવું જોઈએ. - બલ્લુભાઈ પટેલ, બ્રેડફર્ડ

