નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતનું ૨૦મીએ ૮૧ વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ કેટલાક સમયથી નાદુરસ્ત હતા. શીલા દીક્ષિતના પરિવારમાં પુત્ર - પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત અને પુત્રી લતિકા દીક્ષિત છે.
શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર પહેલાં નશ્વર દેહને કોંગ્રેસ મુખ્યાલયમાં રખાયો હતો. ત્યાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. શીલા દીક્ષિતને નિગમબોધ ઘાટ પર પુત્ર સંદીપ દીક્ષિતે મુખાગ્નિ આપ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે શીલા દીક્ષિત મારે માટે કોંગ્રેસ નેતા જ નહીં પણ દોસ્ત અને બહેન હતાં. સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શીલા દીક્ષિતના અવસાનનો શોક ટ્વિટર પર વ્યક્ત કર્યો હતો.
૧૫ વર્ષ મુખ્ય પ્રધાન
શીલા દીક્ષિતનો જન્મ ૩૧ માર્ચ ૧૯૩૮ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો. તેમણે દિલ્હીની કોન્વેન્ટ ઓફ જિસસ એન્ડ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૮૪થી ૧૯૮૯ સુધી ઉત્તર પ્રદેશના કન્નોજથી સાંસદ હતાં. ૧૯૯૮થી ૨૦૧૩ સુધીના ૧૫ વર્ષના લાંબા ગાળા સુધી દીક્ષિત દિલ્હીના મુખ્ય પ્રધાન હતાં. તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેઓ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ હતા. શીલા દીક્ષિત કેરળના રાજ્યપાલ પણ રહ્યાં હતાં. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મનોજ તિવારી સામે તેઓ જોકે હારી ગયાં હતાં.
દિલ્હીની તસવીર બદલી નાંખી
દિલ્હીમાં બ્લૂ લાઇન બસ, સીએનજીની વ્યવસ્થા, રિંગ રોડને આકાર, દિલ્હી આધુનિક મેટ્રો સેવા, લો- ફ્લોર બસની શરૂઆત અને ગેરકાયદે વસાહતીઓને કાનૂની રીતે વસવાટના પગલાંમાં શીલા દીક્ષિતનો સિંહફાળો હતો.
દિલ્હીની રાજનીતિના અજાતશત્રુ
જીવનપર્યંત કોંગ્રેસી શીલા દીક્ષિત પક્ષ માટે સંકટમોચક હતાં તો દિલ્હી રાજનીતિના અજાતશત્રુ નેતા ગણાતા હતા.

