વિલ્સડન સ્વામિનારાયણ મંદિર દ્વારા લંડનમાં સ્વામિનારાયણ સ્કૂલ સ્થપાશે

Wednesday 24th July 2019 06:21 EDT
 
વડીલો માટે કેર હોમ જરૂરી છે તેવો વિચાર રજૂ કરનારા વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને કચ્છી દાનવીર કે કે જેસાણીને મહંત સ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે ‘સત્સંગ ગૌરવ’ પુરસ્કાર અને ટ્રોફી આપીને તેમનું વિશેષ સન્માન કરાયું હતું.
 

વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજીત નવ દિવસના હરિકૃષ્ણ મહોત્સવનું ૨૧ જુલાઈને રવિવારે ધામધૂમપૂર્વક સમાપન થયું હતું. મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ ધર્મધજાની છાયામાં નવી પેઢીના શિક્ષણ માટે કે.જીથી ઉચ્ચ શિક્ષણની અદ્યતન ખાનગી સ્કૂલ સ્થાપવાનો મહત્ત્વાકાંક્ષી સંકલ્પ જાહેર કર્યો હતો. તેમણે જે સ્થળે સ્કૂલ બનવાની છે તે સ્ટેનમોર વિસ્તારની ભૂમિની મુલાકાત લીધી હતી. સમગ્ર ઉત્સવનો સાર કહેતા મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ ગુરુ ધર્મજીવનદાસજીને યાદ કર્યા હતા અને ઉત્સવને ગૌરવપૂર્ણ ગણાવ્યો હતો.

વક્તાઓએ કથાનું રસપાન કરાવ્યું

યુરોપના પ્રથમ શિખરબદ્ધ દેવાલય તરીકે સુવિખ્યાત વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે યોજાયેલા મહોત્સવ દરમિયાન ‘ભક્ત ચિંતામણિ’ અને ‘હનુમાન ચાલીસા નવાન્હ પારાયણ’ના શ્લોકો ગૂંજ્યા હતા. વક્તા સંતોએ નંદ સંતો રચિત શાસ્ત્રોના શ્લોકો સમજાવતા યુકે સ્થિત હરિભક્તોને તેમની દિવ્ય વાણીમાં તરબોળ કરી દીધા હતા. હનુમાન ચાલીસાની નવાન્હ પારાયણે હિંદુ પંરપરાના દરેક સમર્થ અને શક્તિમાન પાત્રોને ઉજાગર કર્યા હતા. સવાર-સાંજ બે સત્રમાં ભાઈઓ-બહેનોની અલગ સભામાં વક્તાઓએ શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું હતું.

લંડનમાં સ્વામિનારાયણ સ્કૂલ સ્થપાશે

મહોત્સવ દરમિયાન હરિભક્તોની નવી પેઢી માટે સંસારત્યાગી સંતો કેટલાં જાગૃત અને સમર્પિત છે તે વાતને ડંકાની ચોટ પર કહેતા ભૂજ સ્વામીનારાયણ મંદિર દ્વારા યુકેના હજારો હરિભક્તો માટે કે.જીથી ઉચ્ચ શિક્ષણની ખાનગી સ્કૂલ શરૂ કરવાનો સંકલ્પ જાહેર કરાયો હતો. સ્ટેનમોર વિસ્તારમાં ખરીદાયેલી ભૂમિ પર સંતોએ પગલાં કરીને શાસ્ત્રોક્ત શુકન કર્યા હતા. આ પ્રોજેક્ટના પ્રણેતાઓ મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે ભગવાનને પ્રાર્થના સાથે સ્કૂલ સર્જનનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરતા હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. સ્કૂલ નિર્માણના સંકલ્પ સાથે મહોત્સવની પૂર્ણાહૂતિ થઈ હતી.

હરિભક્તો દ્વારા ગૌપૂજન

આ મહોત્સવમાં ગૌપૂજનનું પણ આયોજન કરાયું હતું. જ્યાં ગાયને સામાન્ય પશુ માનવામાં આવે છે તેવા બ્રિટનમાં પણ ગુજરાતી-કચ્છીઓ ગૌવંશને પૂજ્ય માને છે, તે અનુસંધાને આ ગૌપૂજન કરાયું હતું. પૂજન દરમિયાન એકત્ર થયેલી રકમ કચ્છની અસરગ્રસ્ત ગાયો માટે વપરાશે તેવી જાહેરાત મંચ પરથી કરાઈ હતી.

અગ્રગણ્ય વ્યક્તિઓનું સન્માન

કાર્યક્રમને સંબોધતા ‘ગુજરાત સમાચાર’/‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી બી પટેલે સંતો હરિભક્તોને બીરદાવ્યા હતા. મહમદ બટ્ટે બ્રેન્ટ કાઉન્સિલમાં હિંદુ પ્રતિનિધિત્વ વધારવા પર ભાર મૂક્યો હતો. કિંગ્સ કિચનના મનજીભાઈએ કણબી ગૌરવ વ્યક્ત કર્યું હતું. શબ્દ સંચાલક કુંવરજીભાઈ દેવરાજ વેકરિયાએ સૌને ઉલ્લેખ સાથે પહેરામણી કરાવી હતી. કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગતે ઈતિહાસનું સ્મરણ કરતાં નવી પેઢીને સત્સંગમાં લાવવા અપીલ કરી હતી. ભૂજ મંદિરના કોઠારી રામજીભાઈ દેવજી વેકરિયા, વાસક્રોફ્ટવાળા શશિકાંતભાઈ વેકરિયા તેમના પુત્ર મિતુલભાઈ વેકરિયા, જેસામ ગ્રૂપના સામજીભાઈ (માધાપર), કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજના હીરજીભાઈ અને લક્ષ્મણભાઈ, એ બી સી ડેપોના વિનોદભાઈ દેવરાજ હાલારિયા બર્ન્ટ ઓક બિલ્ડર્સ મર્ચન્ટવાળા લક્ષ્મણભાઈ મુરજી, યુરોકેન સપ્લાયર્સના વિનોદભાઈ અને કલ્પેશભાઈ હલાઈ, ફર્નિચર કમ્ફર્ટ્સના અવનીશ પટેલ, મંદિરને ટાઈલ્સ અને ગ્રેનાઈટ સપ્લાય કરનારા ક્લાઈન સ્ટોનના કલ્યાણભાઈ તપારીયા, દરેક મંદિરને લીગલ સેવા આપતા પિંડોરિયા સોલિસિટર્સના ભરતભાઈ પિંડોરિયા, લક્ષ્મણભાઈ કન્સ્ટ્રક્શન્સના લક્ષ્મણભાઈ અને કલ્યાણભાઈ રાઘવાણી, સ્ટુડિયો વી આર્કિટેક્ટ ન્યૂ જનરેશન પ્રોજેક્ટના આર્કિટેક્ટ કિશોર વેકરિયા, રામ્ટેક કન્સલ્ટન્ટના રાકેશ પરીખ સહિત અનેક અગ્રગણ્ય વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્સવને સફળ બનાવવામાં કચ્છી લેવા પટેલ કોમ્યુનિટીના પ્રમુખ વેલજીભાઈ વેકરિયા, પૂર્વ પ્રમુખ માવજીભાઈ વેકરિયા તથા ટ્રસ્ટીમંડળ પણ જોડાયું હતું.

ભૂજની છાત્રાઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

મહોત્સવમાં સાંસ્કૃતિક રજૂઆત કરવા લંડન પ્રવાસે આવેલી ભૂજના સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની છાત્રાઓએ યોગ, સત્સંગ, કચ્છી - રાજસ્થાની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. નોર્થોલ્ટ મેળામાં આ છાત્રાઓની કૃતિઓ પર ઓળઘોળ થયેલા દર્શકોએ ૧૦,૦૦૦ પાઉન્ડના ઈનામો જાહેર કર્યા હતા. છાત્રાઓએ લંડન આઈ, તુષાદ મ્યુઝિયમ અને લંડન બ્રીજની મુલાકાત લીધી હતી. વેસ્ટમિન્સ્ટરમાં ભારતની આઝાદીના ઈતિહાસના પાઠ શીખ્યા હોવાનું આચાર્યા દક્ષાબેન પિંડોરિયાએ જણાવ્યું હતું.

કાર્યકરોની પ્રશંસનીય સેવા

પૂર્ણાહૂતિના દિવસે મંદિરના પ્રેસિડેન્ટ કુંરજીભાઈ કેરાઈ અને સેક્રેટરી શીવજીભાઈએ દેશવિદેશથી પધારેલા મહેમાનો અને છેલ્લાં દસ દિવસથી વિવિધ વિભાગમાં સેવા આપતા કાર્યકરોને બીરદાવ્યા હતા.

કે કે જેસાણીને ‘સત્સંગ ગૌરવ’ પુરસ્કાર

વડીલો માટે કેર હોમ જરૂરી છે તેવો વિચાર રજૂ કરનારા વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને કચ્છી દાનવીર કે કે જેસાણીને મહંત સ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે ‘સત્સંગ ગૌરવ’ પુરસ્કાર અને ટ્રોફી આપીને તેમનું વિશેષ સન્માન કરાયું હતું.


comments powered by Disqus