બ્રહ્માકુમારીનો પ્રેરણાદાયી અવાજ ગણાતા બી કે શિવાનીએ ૨૩ જૂને વેમ્બલીના એએસઈ અરેના ખાતે ૭,૫૦૦ લોકોને સંબોધતા શક્તિશાળી સંદેશ આપ્યો હતો કે આપણે જ્યારે આપણા વિચારો બદલીએ છીએ ત્યારે આપણે આપણી દુનિયા બદલીએ છીએ. નવું અને વધુ સકારાત્મક વિશ્વ એ નજીકની વાસ્તવિકતા છે તેવી પોતાની ખાતરી વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ફેરફાર માટે માત્ર પોતાની જાતમાં જ પરિવર્તન જરૂરી છે. આપણા મનમાં માત્ર શુદ્ધ, શક્તિશાળી અને સકારાત્મક વિચારોને જ આવવા દેવા જોઈએ. હું મારી જાતને કોઈના પણ પ્રભાવ હેઠળ ન આવવા દેવાનું પસંદ કરું તો કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ પરિસ્થિતિ મારી વિચારસરણીને અસર કરી શકે નહીં.
એક અઠવાડિયા સુધી સહેજ પણ ગુસ્સો ન કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રેક્ષકોને અનુરોધ કરતાં તેમણે દિવસનો પહેલો કલાક બાકીના ૨૩ કલાક માટે માનસિક રીતે તૈયાર થવા પાછળ ગાળવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું, ‘ આપણે એવા વિશ્વમાં જઈએ કે જ્યાં શાંતિ સામાન્ય બાબત હોય. હું લોકોને બદલી શકું નહીં, માત્ર મારી જાતને બદલી શકું.પરિસ્થિતિ અને લોકોનું વર્તન આપણા જીવનમાં બાહ્ય પ્રેરણા છે.
તેમણે જણાવ્યું કે દૈનિક ધ્યાન ધરવું અને તેના દ્વારા જે શક્તિ મળે તેનો ઉપયોગ આપણા નકારાત્મક વલણો અને ટેવો સુધારવામાં કરવો તે પરિવર્તન માટેની ચાવી છે.
બ્રહ્માકુમારીઝના યુરોપિયન ડિરેક્ટર અને બ્રહ્માકુમારીઝ (યુકે)ના સીઈઓ સિસ્ટર જયંતીએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે સ્વયંના પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનની બ્રહ્માકુમારીઝની પદ્ધતિને વધુ લોકો અનુસરી રહ્યા છે,
Photo courtesy: Prakash Radhakrishnan

