રવિવાર તા.૧૬ જુન ૨૦૧૯ના રોજ જૈન સેન્ટર, લંડનના બાંધકામની શુભ શરૂઆતની શાનદાર ઉજવણી માટે હેઝના નવનાત સેન્ટરમાં આનંદોત્સવ છવાઇ ગયો હતો. આ ભગીરથ પ્રોજેક્ટથી સૌને વાકેફ કરવા સાથે એક સુમધુર સંગીત સંધ્યાનું આયોજન જૈન નેટવર્કના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.
અતિથિ વિશેષ લોર્ડ નવનીતભાઇ ધોળકીયા, બ્રેન્ટ અને હેરોના મેયર, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના તંત્રી/ પ્રકાશક શ્રી સી.બી.પટેલ સહિત જૈન સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી કોલીન્ડલમાં બની રહેલ આ અનોખા સેન્ટરને પોતાના સાથ-સહકારની પ્રતિતી કરાવી હતી. આ પ્રસંગે મુંબઇ, ભારતથી જાણીતા સંગીતકાર શ્રી નરેન્દ્ર વાણીગોટા પધાર્યા હતા જેમને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સમ્રાટ સંગીત શિરોમણીનું બિરૂદ મળ્યું હતું. સ્થાનિક કલાકારો સંગ એમણે ભક્તિમાં સૌને તરબોળ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રફુલાબેન શાહ અને જ્યોત્સનાબેન શાહે કર્યું હતું.
૮ મિલિયન પાઉન્ડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જૈન વિદ્વાન અને ફિલાનથ્રોફીસ્ટ ડો. નટુભાઇ શાહ MBEના વિશાળ વિઝનની ફળશ્રુતિરૂપ છે.
આ જૈન સેન્ટર સંગેમરમરના કલાત્મક જીનાલય અને જૈનોના બધા જ ફિરકાઓ માટે ભક્તિ કરવાનું તેમજ સ્થાનિક કોમ્યુનિટી માટે જ્ઞાન ઉપાર્જન કરવા માટેનું આદર્શ સ્થળ બની રહેશે. બાંધકામના કાર્યનો શુભારંભ થઇ ગયો છે અને બે વર્ષના ગાળામાં આ કામ પૂર્ણ થવાનો અંદાજ છે. આ સલૂણી સંધ્યાએ ઉદારમના દાતાઓએ બોન્ડ અને બ્રીક (ઇંટ) માટે દાન જાહેર કરી પોતાનું અનુદાન નોંધાવ્યું હતું.
અતિથિ વિશેષ લોર્ડ ધોળકીયા, બ્રેન્ટના મેયર કાઉન્સિલર અર્નેસ્ટ ઇઝેજગ, હેરોના મેયર કાઉન્સિલર નીતિન પારેખ, શ્રી સી.બી. પટેલે આ પ્રોજેક્ટની સરાહના કરતા જૈન ધર્મના સિધ્ધાંતો શાંતિ, સહચર્ય અને મૈત્રીભાવના મહત્વ અંગે પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતા. બારનેટના મેયર કાઉન્સિલર કેરાલાઇન સ્ટોક હાજર રહી શક્યા ન હતા. પરંતુ બારનેટમાં આકાર લઇ રહેલ આ મલ્ટી ફેઇથ અદ્ભૂત સેન્ટર માટે ખાસ સંદેશો પાઠવ્યો હતો જે સભાજનો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો.
જૈન અગ્રણીઓ શ્રી નેમુભાઇ ચંદરિયા MBE, ડો.વિનોદ કપાશી OBE, તુષારભાઇ શાહ, શ્રી મનહરભાઇ મહેતા આદીએ એમના વક્તવ્યમાં આ સેન્ટર માટે પોતાના સહકાર જાહેર કરતા જૈન દેરાસરોમાં આ એકનો ઉમેરો થશે જેમાં કોમ્યુનિટી સેન્ટર સાથે અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સભાજનોને સંબોધતા ડો.નટુભાઇ શાહે જણાવ્યું હતું કે, “જૈન સેન્ટર લંડન એ ગ્લોબલ પ્રોજેક્ટ છે અને કરૂણા, સમાનતા, પ્રાણીમાત્રની સુખાકારી, પર્યાવરણની જાળવણી અને શાંતિની રક્ષા વગેરે જૈન મૂલ્યોનો પ્રચાર-પ્રસાર થશે. આ પ્રોજેક્ટની પ્રગતિ થઇ રહી છે એનો મને આનંદ અને ગૌરવ છે.
જૈન ધર્મના શાંતિ અને મૈત્રીભાવના સંદેશાને ફેલાવવાનો આ અદ્ભૂત અવસર છે જેના સહભાગી બનવા સૌને અંત:કરણપૂર્વક અપીલ કરવામા આવી છે.
સુમધુર સંગીત અને સ્વાદિષ્ટ ભોજન અને મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહાવી સૌ વિખરાયા.
વધુ વિગત માટે સંપર્ક: www.jainnetwork.com

