લંડનઃ સર આઈઝેક ન્યૂટન, ચાર્લ્સ ડાર્વિન, રુધરફોર્ડ, સ્ટીફન હોકિંગ અને રામાનુજન્ જેવા મહાન વૈજ્ઞાનિકોએ જે સંસ્થાનું સભ્યપદ શોભાવ્યું છે તે યુકેની પ્રતિષ્ઠિત સંસ્થા રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાવાનું બહુમાન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ફિઝિયોલોજીના ભારતવંશી પ્રોફેસર અનંત પારેખને મળ્યું છે. મોરના ઈંડા ચીતરવા ન પડે તે જાણીતી ઉક્તિ અનંત પારેખ માટે એકદમ યથાયોગ્ય છે. મેર્ટોન કોલેજના ફેલો અનંત પારેખના પિતા પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ હલ ખાતે પોલિટિકલ થીઅરીના સન્માનીય પ્રોફેસર છે અને રાજકીય વિશ્લેષક તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવે છે.
પ્રો. અનંત પારેખના સંશોધનમાં માનવશરીરના કોષો એકબીજા સાથે કેવી રીતે સંવાદ કરે છે તે વિષય કેન્દ્રસ્થાને છે, જેમાં સ્રાવ (secretion), ઊર્જા ઉત્પાદન, અને જનીન અભિવ્યક્તિ (gene expression) જેવાં મહત્ત્વના જૈવિક કાર્યો પર હોર્મોન્સ અને અન્ય રસાયણોનું નિયંત્રણ કેવી રીતે રહે છે તે બાબતનો સમાવેશ થાય છે. તેઓ પોતાના સંશોધનને મુખ્યત્વે એલર્જીસ અને અસ્થમાને સમજવામાં લાગુ કરવામાં રસ ધરાવે છે.
અનંત પારેખના સંશોધન કાર્યથી એક કોષ બીજા કોષને માહિતી કેવી રીતે પહોંચાડે છે અને આવી માહિતી ચોક્કસ શારીરિક લક્ષ્યોને કેવી રીતે સક્રિય બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય તેના વિશેની સમજમાં વધારો થયો છે. તેમનું કાર્ય અસ્થમાના ઉપચારાત્મક-રોગનિવારક ઉપયોગ માટે કેલ્શિયમ ચેનલ નામના ચોક્કસ પ્રકારના પ્રોટિનને લક્ષ્ય બનાવતાં નવાં ઔષધોનાં વિકાસ તરફ દોરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અનંત પારેખને સેલ બાયોલોજી ક્ષેત્રોમાં તેમના અનન્ય સંશોધન બદલ ફિઝિયોલોજીમાં વેલકમ અને જીએલ બ્રાઊન પ્રાઈઝીસ સહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે.
ફેલો તરીકે પસંદગી થયાનું સાંભળીને પ્રોફેસર પારેખે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાવું એ ખરેખર મહાન ગૌરવ અને વિનમ્રતા બક્ષતી ઘટના છે. જોકે, શૂન્યમાં કશું જ સર્જાતું નથી. મારી કારકીર્દિનાં વિવિધ તબક્કે મને મળેલાં અદ્ભૂત માર્ગદર્શકો, આટલાં બધાં વર્ષોથી ડિપાર્ટમેન્ટ તરફથી મળેલો સહકાર તેમજ મારા ગ્રૂપમાં કામ કરનારા ઉત્તમ યુવાન વૈજ્ઞાનિકોના સાથ-સહકારનું આ પ્રતિબિંબ છે, જેમના વિના આ સન્માન શક્ય બન્યું ન હોત.’
અનંત પારેખના પિતા પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ પણ ૨૦૦૩માં લલિત કળાઓના અભ્યાસ માટે રોયલ સોસાયટીની સમકક્ષ બ્રિટિશ એકેડેમીમાં ચૂંટાયા હતા. પિતા અને પુત્ર એક જ સમયમાં આવી વિદ્વતાપૂર્ણ સોસાયટીઓના ફેલો હોય તે ખરેખર દુર્લભ ઘટના છે. સામાન્યપણે બ્રિટિશ એકેડેમિક જીવન અને વિશેષતઃ ભારતીય સમાજમાં આવી વિશિષ્ટતા માટે કેટલાં વિદ્વાનો લાયક બની શકે તે અચરજની બાબત છે.

