નવી દિલ્હીઃ નાનપણમાં આપણે સહુએ એક યા બીજા સમયે પુસ્તકોમાં હિમમાનવ અંગે વાંચ્યું છે. પરંતુ લાખ રૂપિયાનો પ્રશ્ન એ છે કે શું ખરેખર એવા કોઇ હિમમાનવ હિમાલયમાં વસવાટ કરે છે ખરાં? આ અંગે હંમેશાથી અલગ-અલગ અંદાજ લગાવાતા રહ્યા છે. જોકે આ વખતે ખાસ બાબત એ છે કે ભારતીય સેનાએ તેની હાજરીના સંકેત આપ્યા છે.
જી હા, ઇંડિયન આર્મીએ પહેલી વખત હિમમાનવ ‘યેતી’ની હાજરી અંગે કેટલાંક પુરાવા રજૂ કર્યા છે. આ સંબંધમાં ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં બરફ પર પગના નિશાન જોવા મળી રહ્યાં છે. એવું કહેવાય છે કે આ નિશાન હિમમાનવ ‘યેતી’ના હોઇ શકે છે.
સેનાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર કરાયેલી ટ્વીટમાં જણાવાયું છે કે પર્વતારોહણ અભિયાન ટીમને પહેલી વખત રહસ્યમય 'યેતી' એટલે કે હિમમાનવના પગનાં નિશાન મળ્યાં છે. આ સાથે કેટલીક તસવીરો પણ રજૂ કરવામાં આવી છે. જેમાં બરફ પર પગનાં વિશાળ નિશાન દેખાય છે.
ભારતીય સેનાના એડીજીપીઆઈનું કહેવું છે કે મકાલુ બેઝ કેમ્પમાં નવ એપ્રિલના રોજ ખેંચવામાં આવેલી આ તસવીરમાં દેખાતાં પગનાં પંજાનું કદ ૩૨x ૧૫ ઇંચ છે. સેનાના જણાવ્યા પ્રમાણે, આ હિમમાનવ અગાઉ મકાલુ બારુણના નેશનલ પાર્કમાં પણ દેખાયા હતા.
સેનાએ ટ્વિટર પર કરેલી આ તસવીરોની સોશિયલ મીડિયા પર ચર્ચા છે. કેટલાક લોકો આ તસવીરો પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ચૂંટણી સાથે જોડીને તેના પર કટાક્ષ કરી રહ્યા છે.
કોણ છે આ હિમમાનવ?
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૧૯૫૧માં માઉન્ટ એવરેસ્ટ પર મોટાં પગનાં નિશાન મળ્યા ત્યારે પણ બરફીલા પ્રદેશમાં હિમમાનવ વસતા હોવાના અહેવાલ ફરતા થયા હતા. તિબેટ અને નેપાળની લોકપ્રિય કાલ્પનિક કથાઓ અનુસાર, એશિયાના અંતરિયાળ પહાડી પ્રદેશોમાં દૈત્યાકાર વાનરો જેવા જીવ રહે છે, જેમને યેતી અથવા હિમમાનવ કહેવામાં આવે છે. વર્ષોથી લોકો દ્વારા યેતીને જોયાના દાવા થઇ રહ્યા છે. લદ્દાખના બૌદ્ધ મઠોએ દાવો કર્યો હતો કે હિમમાનવ ‘યેતી’ તેમણે જોયો છે. જ્યારે સંશોધકોએ યેતીને મનુષ્ય નહીં, પરંતુ ધ્રુવીય અને ભૂરા રીંછના ક્રોસ બ્રીડ એટલે કે સંકર જાતિ ગણાવી છે. કેટલાંક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે યેતી એક વિશાળકાય જીવ છે, તેનો ચહેરો વાનર જેવો હોય છે, પરંતુ તે માનવીની જેમ બે પગે ચાલે છે. તેને જોયાના રોમાંચક કિસ્સાઓ સંભળાય છે. જોકે તેને લઇ વૈજ્ઞાનિકોમાં પણ એકમત નથી.
વર્ષ ૨૦૧૩માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચ અનુસાર, હિમાલયના દંતકથા સમાન હિમમાનવ ‘યેતી’ ભૂરા રીંછની જ એક ઉપપ્રજાતિના હોઈ શકે છે. આ રિસર્ચ ટીમના પ્રોફેસર સ્કાઇઝે જણાવ્યું હતું કે યેતીની દંતકથા પાછળ હકીકતમાં કોઈ જીવ હોઈ શકે છે. તેમણે કહ્યું હતું, ‘મારા મતે સંભવ છે કે જેને કોઈએ જીવિત જોયાં નથી એવા રીંછ આજે પણ ક્યાંક હયાત હોય.’
અમેરિકાના જીવવિજ્ઞાની શોર્લટ લિંડક્વિસ્ટે પણ આ વિષય પર સંશોધન કર્યું છે. તેમણે યેતીના અવશેષોનું ડીએનએ ટેસ્ટની મદદથી વિશ્લેષણ કર્યું હતું. આ અવશેષોના નમૂનામાં તિબેટના હિમાલયના પ્રદેશોમાંથી હાથ, દાંત, હાથની ત્વચા, વાળ અને મળનો ઉપયોગ કરાયો હતો.લિંડક્વિસ્ટે કહ્યું હતું, ‘તપાસ દરમિયાન નવ નમૂનામાંથી એક નમૂનો કૂતરાનો નીકળ્યો છે, જ્યારે અન્ય એ જ વિસ્તારમાં રહેલા આઠ અલગ-અલગ પ્રજાતિનાં રીંછના છે. જેમ કે, એશિયાઈ કાળાં રીંછ, હિમાલય અને તિબેટનાં ભૂરાં રીંછ છે.’ એક અન્ય સંશોધકના મતે, ‘મેં જે નમૂનાની તપાસ્યા હતા તે સોએ સો ટકા રીંછના છે.’
શું ખરેખર કોઈ યેતી ફરે છે?
લિંડક્વિસ્ટે કહ્યું, ‘આ વિસ્તારમાં રીંછ અસુરક્ષિત છે અથવા તો તેમનું અસ્તિત્વ જોખમમાં છે, પરંતુ તેમના ઇતિહાસ વિશે કોઈ ખાસ જાણકારી ઉપલબ્ધ નથી.’ નિષ્ણાતો માને છે કે આ અધ્યયન એ લોકોને નિરાશ કરી શકે જે યેતીની કથાઓમાં વિશ્વાસ કરે છે, પરંતુ કોઈએ નિરાશ થવું જોઈએ નહીં. તેઓ કહે છે, ‘કેટલાક લોકો કહે છે કે મારો અભ્યાસ માત્ર અમુક નમૂનાઓ પર આધારિત છે, પરંતુ કેટલાક અવશેષો એવા પણ હોઈ શકે જેના પર હજુ કોઈ સંશોધનો થયાં નથી. શું ખબર, અત્યારે એશિયાના પહાડો પર ક્યાંક કોઈ વિચિત્ર પ્રાણી ફરતાં હોય.’
સોશિયલ મીડિયામાં લોકોએ શું કહ્યું?
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાહે ટ્વિટર પર લખ્યું, ‘ભાજપ ચોક્કસ એ મુદ્દા પર ચર્ચા કરી રહ્યો હશે કે હિમમાનવ મુદ્દાનો પોતાના ચૂંટણીપ્રચારમાં કઇ રીતે ઉપયોગ કરવો.’ મોટા ભાગના લોકો આ મુદ્દે કટાક્ષ અને મજાક કરી રહ્યા છે. રુદ્ર નામના ટ્વિટર યૂઝરે લખ્યું હતુંઃ ‘આ હિમમાનવ જરૂર મોદીજીને મત આપવા આવ્યા હશે.’ તો વળી ચોકીદાર મૃત્યુંજય શર્માએ સવાલ કર્યો છે કે આ તસવીરોમાં માત્ર એક પગનાં નિશાન કેમ છે? આદર્શ રસ્તોગીએ લખ્યું હતુંઃ ‘આવવાનું તો મોદીજીને હતું, આ ક્યાંથી આવી ગયા? એનું વોટર આઈડી કાર્ડ ક્યાં છે?’

