આઇસલેન્ડ ખાતે કાર અકસ્માતમાં લાતુરીઆ પરિવારના ત્રણનાં મોત

- કોકિલા પટેલ Thursday 03rd January 2019 09:45 EST
 
શ્રીરાજ અને પત્ની રાજશ્રી
 

લંડનઃ આઇસલેન્ડ ખાતે ક્રિસમસ ડ્રિમ હોલીડે મનાવવા ગયેલા લંડનસ્થિત યુવાન ભાઇઓના પરિવારને કાર અકસ્માત નડતાં બન્ને ભાઇઓની પત્નીઓ અને ૧૦ મહિનાની માસૂમ બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે જયારે બે ભાઇઓ અને એમના બે સંતાનોને હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

લંડનના કેનેરી વોર્ફમાં એક સાથે રહેતા મહારાષ્ટ્રના બે ભાઇઓ શ્રીરાજ લાતુરીઆ (૩૯) અને એમની પત્ની રાજશ્રી, નવ વર્ષની દીકરી શ્રીરૂપા અને ૧૦ મહીનાની શ્રીપ્રભા તેમજ નાનાભાઇ સુપ્રીમ લાતુરીઆ (૩૭), એમની પત્ની ખુશ્બૂ અને ૭ વર્ષનો દીકરો નોબલ સહિત આ પરિવાર ક્રિસમસ હોલીડે કરવા આઇસલેન્ડ ગયા હતા. ૨૭ ડિસેમ્બર, ગુરૂવારની વહેલી પરોઢિયે કર્કજબિજરકલાસ્ટર અને સ્કોફટીફેલ ટાઉન વચ્ચે આઇસલેન્ડનો સિંગલ લેનવાળો સૌથી લાંબો બ્રીજ કહી શકાય ત્યાંથી ટોયોટા લેન્ડ ક્રૂઝર પસાર થઇ રહી હતી ત્યારે ગમખ્વાર અકસ્માત થતાં કાર બ્રીજની રેલીંગ સાથે ભટકાઇ નદીના રેતીવાળા વિશાળ પટમાં પલટી ખાઇને પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૩૦ વર્ષીય રાજશ્રી, ખુશ્બૂ અને દશ મહિનાની શ્રીપ્રભાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ગંભીર ઈજાગ્રસ્ત શ્રીરાજ લાતુરીઆ, ભાઇ સુપ્રીમ અને બે બાળકો શ્રીરૂપા અને નોબલને હોલિકોપ્ટર મારફતે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
આઇસલેન્ડ સ્થિત ઇન્ડિયન એમ્બેસેડર આર્મસ્ટ્રોંગ ચેંગસને ગુરૂવારે રેકજાવીક હોસ્પિટલમાં બચી ગયેલા લાતુરીઆબંધુની મુલાકાત લઈને મહારાષ્ટ્ર સ્થિત એમના માતા-પિતા અને ભાઇ સર્વેશને તાત્કાલિક વીસા માટે વ્યવસ્થા કરી હતી.
મૂળ રાજસ્થાની શ્રીરાજ અને રાજશ્રી બન્ને ફાયનાન્સ સર્વિસમાં કામ કરતા હતા અને બન્નેને ૨૦૧૫માં એશિયન પાવર કપલ તરીકેની યાદીમાં મૂકાયા હતાં. રાજશ્રીએ ત્રણ વર્ષ સુધી બાર્કલેઝ કેપીટલ અને મોર્ગન સ્ટેનલી સાથે કામ કર્યું છે. શ્રીરાજે આઠ વર્ષ UBS ઇન્વેસ્ટમેન્ટ બેન્કમાં પોર્ટફોલીઓ મેનેજર તરીકે કામ કર્યું ત્યારબાદ ૨૦૧૫થી RBCકેપીટલ માર્કેટસ સાથે ટ્રેડર તરીકે ફરજ બજાવતા હતા. આ દંપતિ રાજસ્થાન એસોસિએશન યુ.કે.ના સક્રિય મેમ્બર હતા.


comments powered by Disqus