લંડનઃ સાઉથ વેલ્સમાં કાર્યરત જાણીતા ડો. હસમુખ શાહને રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટીશનર્સ, યુકે દ્વારા ૨૨ જૂન, ૨૦૧૯ના રોજ મેમ્બરશીપ (MRCGP) આપવામાં આવી હતી.
રોયલ કોલેજ સમગ્ર યુકેના ૫૨,૦૦૦ જનરલ પ્રેક્ટીશનર્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને અપાયેલી મેમ્બરશીપ ભાગ્યે જ અપાય છે. ડોક્ટર દ્વારા મેડિસીન અથવા સમાજ પ્રત્યે વિશેષ યોગદાન અપાયું હોય ત્યારે તેમનું આ સન્માન કરાય છે.
લંડનની ગ્રોવનર હોટલમાં યોજાયેલા ૧૮મા એશિયન એચીવર્સ એવોર્ડ સમારોહમાં ડો. હસમુખ શાહને ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ દ્વારા લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અપાયો હતો. તેઓ વેલ્સ સ્થિત ભારતીય ડોક્ટરો માટે કાર્યરત બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન (BAPIO), વેલ્સ ડિવિઝનના સેક્રેટરી પણ છે.
ડો. શાહે લાંબા સમયથી વેલ્સના લોકો માટે કરેલા તબીબી, વ્યાવસાયિક, શૈક્ષણિક અને ચેરિટેબલ કાર્યો બદલ ૨૦૧૭માં તેમને યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ દ્વારા વિઝિટિંગ ફેલોશિપ એનાયત કરાઈ હતી.













