લંડનઃ વોટફર્ડમાં માર્ક્સ એન્ડ સ્પેન્સરમાં સેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા ૫૩ વર્ષીય અનૂપાબહેન શાહ વાર્ષિક સ્પોટલાઈટ સ્ટાર ઓફ ધ યર એવોર્ડના ૨૮ વિજેતાઓ પૈકી એક બન્યા છે. આ વર્ષે દેશભરમાંથી ૩૩,૦૦૦ નોમિનેશન્સ આવ્યા હતા. ૧૪ વર્ષની વયથી કાર્યરત અનૂપા માત્ર ત્રણ વર્ષથી માર્ક એન્ડ સ્પેન્સર સાથે જોડાયેલા છે. અનૂપાબહેનને જન્મથી જ સાંભળવાની તકલીફ છે. જોકે, તેઓ તેમને સોંપાયેલી કામગીરી ખૂબ ધગશથી કરે છે. તેઓ જીવનભર સામેની વ્યક્તિ બોલતી હોય તો તેના હોઠના ફફડાટ પરથી તે શું બોલે છે તે સમજી જાય છે.
M&Sમાં જોડાયા પહેલા તેમણે વોન્ડ્સવર્થમાં સ્ટોર મેનેજર તરીકે કામ કર્યું હતું. તેમણે લૂટન એરપોર્ટ પર ટાઈ રેક/રોલિંગ લગેજ ખાતે પણ ૧૫ વર્ષ સુધી સ્ટોર મેનેજર અને એરિયા ટ્રેનર તરીકે કામ કર્યું હતું. પરંતુ, તેમની પહેલી કંપની ઓવેન ઓવેન હતી.
‘ગુજરાત સમાચાર’/‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં અનૂપાએ જણાવ્યું હતું કે આ એવોર્ડ મળાતા તેમને ખૂબ આનંદ અને સન્માનની લાગણી થાય છે. ૩૩,૦૦૦ નોમિનીમાંથી ૨૮ વિજેતાઓમાં એક બનવું તે મોટી સિદ્ધિ છે અને મેં કરેલા પરીશ્રમનું વળતર મળ્યું છે તેમ હું માનું છું.
અનૂપાબહેનનો જન્મ નૈરોબીમાં થયો હતો. તેમનું મૂળ વતન સૌરાષ્ટ્રનું નવાગામ છે. ચાર વર્ષ સુધી તેમના નાના-નાનીએ તેમને ઉછેર્યા હતા. તેમના નાના-નાનીએ ભારતથી આફ્રિકા સ્થળાંતર કર્યું હતું. તેમના પિતા બેરિસ્ટર હતા અને તેઓ એક્સેટર યુનિવર્સિટીમાં ભણ્યા હતા. યુગાન્ડામાં ઈદી અમીને ભારતીયોને હાંકી કાઢ્યા બાદ તેઓ ઓક્ટોબર ૧૯૭૨માં યુકેમાં શરણાર્થી તરીકે આવ્યા હતા. અનૂપાબેનના લગ્ન ૨૭ વર્ષ અગાઉ ઉર્વેશ શાહ સાથે થયા હતા. તેમને કવિ નામે ૨૩ વર્ષનો પુત્ર છે.













