આસામમાં ૧૯ લાખ લોકો ભારતીય નાગરિકતાથી વંચિત

Wednesday 04th September 2019 06:35 EDT
 
 

ગુવાહાટીઃ આસામમાં વિદેશી ઘૂસણખોરોને અલગ તારવવા માટે છેલ્લા પાંચ વર્ષથી સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ તળે ચાલી રહેલી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) પ્રક્રિયાનો અંત આવ્યો છે. ભારત સરકારે એનઆરસીની આખરી યાદી જારી કરી છે.
આસામમાં ભારતીય નાગરિકતા પુરવાર કરવા ૩,૩૦,૨૭,૬૬૧ લોકો દ્વારા કુલ ૬૮,૩૭,૬૬૦ અરજી કરાઈ હતી. જેમાંથી ૩.૧૧ કરોડ લોકોનો એનઆરસીની અંતિમ યાદીમાં સમાવેશ કરાયો છે. જ્યારે ૧૯,૦૬,૬૫૭ અરજકર્તાના નામ એનઆરસી યાદીમાં નથી. એનઆરસી દ્વારા જારી નિવેદનમાં જણાવાયું છે કે, કુલ ૩,૧૧,૨૧,૦૦૪ લોકોને ભારતીય નાગરિકતા માટે યોગ્ય ગણાયા છે.
યાદી જાહેર થતાં જ આમ પ્રજાજનોથી માંડીને રાજકીય પક્ષો અને નાગરિક અધિકાર સંગઠનોમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦મી સદીના પ્રારંભથી આસામ બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
આસામ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એનઆરસી અમલમાં છે. રાજ્યમાં પહેલીવાર ૧૯૫૧માં એનઆરસી તૈયાર કરાયું હતું.
અગાઉ થયેલી જાહેરાત અનુસાર શનિવારે સવારે ૧૦ વાગ્યે ૨,૫૦૦ જેટલાં એનઆરસી સેવા કેન્દ્રો અને એનઆરસીની વેબસાઇટ www.nrcassam.nic.in પર એનઆરસીની આ યાદી જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરાઈ હતી. આ યાદી જુલાઈ ૨૦૧૮માં જારી કરાયેલા એનઆરસી મુસદ્દા યાદીની પૂરક યાદી હતી.
અગાઉની યાદી વેળા બાકાત રહી ગયેલા અરજકર્તાઓના પુરાવાની પુનઃ ચકાસણી કર્યા બાદ આ પૂરક યાદી તૈયાર કરાઈ છે.
અગાઉના મુસદ્દામાં ૪૦ લાખ કરતાં વધુ અરજકર્તાઓ યાદીમાંથી બાકાત હતાં. પૂરક યાદીમાં અગાઉ બાકાત રહી ગયેલા લોકોમાંથી ૨૧ લાખ કરતાં વધુ અરજકર્તાઓનો સમાવેશ કરાયો છે.

વિરાટ આયોજન

એનઆરસીના સ્ટેટ કો-ઓર્ડિનેટર પ્રતીક હજેલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એનઆરસીની સમગ્ર પ્રક્રિયા પૂરી પારદર્શકતા સાથે પૂર્ણ કરાઈ છે. દરેક વ્યક્તિને નાગરિકતા પુરવાર કરવાની પૂરતી તક આપવામાં આવી છે. આ સમગ્ર કવાયતમાં ૫૨,૦૦૦ સરકારી કર્મચારીઓ જોડાયાં હતાં. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં પાંચ વર્ષ સુધી ચાલેલી આ પ્રક્રિયા પાછળ કુલ ૧૨૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
નાગરિક અધિકાર સંગઠનોના જણાવ્યા અનુસાર સમગ્ર પ્રક્રિયા દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં ૬૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અરજકર્તાને કાનૂની કાર્યવાહી, સુનાવણીઓ પાછળ આશરે ૭,૮૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવા પડયાં છે.

પ્રજામાં પ્રચંડ અસંતોષ અને આક્રોશ

ગયા શનિવારે જાહેર થયેલા નિર્ણાયક નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) સામે રાજ્યમાં ઉગ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આસામ ગણ પરિષદ સહિતના રાજકીય પક્ષો તેમ જ અનેક સંગઠનોએ એનઆરસી સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. રાજકીય પક્ષોએ જાહેર થયેલા એનઆરસી સામે રોષ વ્યક્ત કરતા પુનઃ ચકાસણીની પરવાનગી આપવાની માગ કરી હતી.
આસામના વિદ્યાર્થી અને નાગરિક સંગઠનોએ તો આ એનઆરસીને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારવાનો નિર્ણય જાહેર કર્યો છે.

યાદીમાંથી બાકાત લોકોની વ્હારે સરકાર

પેઢી - દર પેઢીથી આસામમાં વસવાટ કરવા છતાં એનઆરસીમાંથી બાકાત રહી ગયેલા લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સરકાર કામે લાગી ગઇ છે.
આસામનાં મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, એનઆરસીમાં ખોટી રીતે સામેલ થઈ ગયેલા વિદેશીઓ અને બાકાત રહી ગયેલા ભારતીયો માટે ભારત સરકાર સંસદમાં ખરડો લાવી શકે છે.

હિંદુઓને વંચિત રાખવાનું ષડયંત્રઃ ભાજપ

આસામમાં જાહેર થયેલા નિર્ણાયક નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન સામે રાજ્યમાં ઉગ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આસામ ગણ પરિષદ સહિતના રાજકીય પક્ષો તેમજ અનેક સંગઠનોએ એનઆરસી સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપે કહ્યું હતું કે આ તો હિંદુઓને ભારતીય નાગરિકત્વથી વંચિત રાખવાનું કાવતરું છે. આસામમાં સત્તાધારી ભાજપના નેતા અને નાણાં પ્રધાન હિમન્તા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, એનઆરસીની નિર્ણાયક યાદીમાં ૧૯૭૧ પહેલાંના કટ ઓફ પિરિયડ ગણાતાં સમયગાળામાં બાંગ્લાદેશથી ભારત આવીને વસેલા ઘણા લોકોના નામ જોવા મળતાં નથી કારણ કે સત્તાવાળાઓએ તેમના નિરાશ્રિત પ્રમાણપત્રો સ્વીકારવાનું નકારી દીધું હતું.

૧ લાખ ગુરખા યાદીમાંથી બાકાતઃ મમતા બેનરજી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ભારત સરકારને અનુરોધ કર્યો હતો કે એનઆરસીમાંથી એક પણ સાચો ભારતીય બાકાત રહી ના જાય તે સુનિશ્ચિત કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે ગુરખા સમુદાયના એક લાખ લોકો એનઆરસી યાદીમાંથી બાકાત રહી ગયા હોવાનું જાણીને આઘાત અનુભવું છું. તમામ ભારતીય સાથે ન્યાય કરવામાં આવે. તેમણે કહ્યું હતું, ‘યાદીના ધબડકાની પૂરી વિગતથી હું અગાઉ અજાણ હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સહિત અન્ય સુરક્ષા દળના જવાનો તેમ જ પૂર્વ રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદના પરિવારજનો સહિત હજારો ભારતીયોના નામ બાકાત રહ્યાં છે.’

વિદેશી સામેલ, ભારતીયો બાકાત: તરુણ ગોગોઈ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આસામનાં પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈએ જણાવ્યું હતું કે, એનઆરસી સત્તાવાળાઓએ મહત્ત્વના દસ્તાવેજમાંથી લાખો ભારતીયોને ખામીયુક્ત રીતે બાકાત કરી દીધાં છે.
તેમણે કહ્યું હતું કે ઘણા સાચા અને લાયક ભારતીય નાગરિકો, તેમાં પણ વિશેષ કરીને બંગાળી હિંદુઓ એનઆરસીમાંથી બાકાત રહી ગયાં છે જ્યારે વિદેશી ઘૂસણખોરોએ યાદીમાં સ્થાન મેળવી લીધું છે.
એનઆરસીની અંતિમ યાદી તૈયાર કરવામાં શું ખોટું થયું છે તેનો ભાજપે જવાબ આપવો જોઈએ. આના બદલે હવે તે જ કાગારોળ મચાવી રહ્યો છે.

આંકડાઓમાં એનઆરસી

• ૩,૩૦,૨૭,૬૬૧ આસામમાં વસતા લોકોએ અરજી કરી
• ૬૮,૩૭,૬૬૦ નાગરિકતાનો દાવો કરતી અરજી કરાઈ
• ૩,૧૧,૨૧,૦૦૪ આસામીને ભારતીય નાગરિક ગણાયા
• ૧૯,૦૬,૬૫૭ લોકોનો અંતિમ એનઆરસીમાં સમાવેશ નહીં
• ૦૫ વર્ષ સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખમાં કવાયત ચાલી
• ૫૨,૦૦૦ કર્મચારી એનઆરસીની પ્રક્રિયામાં સામેલ થયાં
• ૧,૨૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ સમગ્ર પ્રક્રિયા પાછળ થયો
• ૭,૮૦૦ કરોડ રૂપિયા લોકોએ સુનાવણીઓ પાછળ ખર્ચવા પડયાં
• ૬૦ લોકોના એનઆરસી સાથે સંકળાયેલી વિવિધ ઘટનામાં મોત

બાકાત લોકો માટે હવે ક્યા વિકલ્પ?

૧) એનઆરસીમાં બાકાત લોકોએ ૧૨૦ દિવસમાં ફોરેન ટ્રિબ્યૂનલમાં અરજી કરવાની રહેશે
૨) ફોરેન ટ્રિબ્યૂનલનો ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈની ધરપકડ નહીં કરાય
૩) ફોરેન ટ્રિબ્યૂનલમાં કેસ હારી જનાર વ્યક્તિ હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકશે
૪) અત્યારે આસામમાં ૫૬ ફોરેન ટ્રિબ્યૂનલ, ટૂંક સમયમાં ૨૦૦ એફટી કાર્યરત કરાશે
૫) ગરીબ પરિવારોને કેસ લડવા માટે સરકાર દ્વારા કાનૂની મદદ કરાશે
૬) તમામ કાનૂની વિકલ્પો પછી પણ વિદેશી જાહેર થનારને ડિટેન્શન સેન્ટરમાં રખાશે


comments powered by Disqus