એનઆરસીમાંથી બાકાત લોકોમાં ધારાસભ્યથી માંડીને પૂર્વ સૈન્ય જવાનોનો સમાવેશ થાય છે!

Wednesday 04th September 2019 06:33 EDT
 
 

ગુવાહાટીઃ આસામમાં ગયા શનિવારે જાહેર થયેલી એનઆરસીની અંતિમ યાદીમાં ભારતીય નાગરિકતાથી વંચિત રહી ગયેલા લોકોમાં ચૂંટાયેલા ધારાસભ્યથી માંડીને પૂર્વ સૈન્ય જવાનોનો સમાવેશ થાય છે.
ભારતીય સેનાના રાષ્ટ્રપતિ મેડલ વિજેતા અને પૂર્વ ઓનરરી લેફ્ટનન્ટ મોહમ્મદ સનાઉલ્લાહ અને તેમની બે દીકરી અને એક દીકરાનો એનઆરસીની અંતિમ યાદીમાં સમાવેશ થયો નથી.
ગયા જુલાઇમાં પણ તેમનું નામ બાકાત રહી ગયું હતું અને તેમને વિદેશી જાહેર કરીને ડિટેન્શન સેન્ટરમાં મોકલી અપાયા હતા. જોકે નવાઇની વાત એ છે કે, તેમની પત્નીનું નામ અંતિમ યાદીમાં સામેલ થઇ ગયું છે.
આ ઉપરાંત ૧૯૬૫ના યુદ્ધમાં સાહસિક કામગીરી માટે વીર ચક્રનું સન્માન પ્રાપ્ત કરનાર બ્રિગેડિયર કે. પી. લાહિરીનો પરિવાર પણ ફાઇનલ એનઆરસીમાં સામેલ નથી. ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં પણ તેમણે વ્યૂહરચનાઓ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એક સદી પહેલાં આસામમાંથી સિલ્કની નિકાસ શરૂ કરનાર રાધાકૃષ્ણ ક્રિશ્ના સરસ્વતીના પરિવારના કેટલાક સભ્યોના નામ પણ એનઆરસીમાં સામેલ થયાં નથી.
મોહમ્મદ સનાઉલ્લાહે જણાવ્યું હતું કે, મને આ વાતનું જરા પણ આશ્ચર્ય નથી. મારું નામ યાદીમાં આવશે તેવી આશા હું રાખતો જ નહોતો કારણ કે મારો કેસ હાઇ કોર્ટમાં ચાલી રહ્યો છે. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે અને મને ન્યાય મળશે જ.
ધારાસભ્યનું નામ નથી!
આસામના ઓલ ઇંડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઇયુડીએફ)ના ધારાસભ્યને પ્રજાએ ભલે ચૂંટણી પરીક્ષામાં પાસ કરી દીધા હોય, પરંતુ તેઓ નાગરિકતાની પરીક્ષામાં નાપાસ થયા છે. વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાયેલા અનંતકુમાર માલો અને તેમના પુત્રનું નામ એનઆરસીમાં સામેલ નથી. બીજી તરફ, દાલગાંવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇલિયાસ અલીનું નામ તો એનઆરસીમાં છે, પરંતુ તેમની દીકરીનું નામ સામેલ કરાયું નથી.
એક અન્ય હૃદયદ્રાવક ઘટનામાં મહિલાએ જીવન ટૂંકાવી લીધું હતું. એનઆરસીમાં પોતાનું નામ જોવા ના મળતા ૬૦ વર્ષની મહિલાએ કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો. બાદમાં તપાસ કરતાં ખબર પડી હતી કે તેનું નામ યાદીમાં હતું.


comments powered by Disqus