ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના ગ્વાલિયરની લોક અદાલતમાં ૪૧ વર્ષથી ચાલતો ૨૦ રૂપિયાની ચોરીનો કેસ છેવટે આરોપીને ચાર મહિનાની સજા સાથે ખતમ થયો છે.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપી ઇસ્માઇલ ખાને ૧૯૭૮માં ૨૦ રૂપિયાની ચોરી કરી હતી. જિલ્લા કોર્ટમાં ૪૧ વર્ષ સુધી ખટલો ચાલ્યો હતો. કોર્ટમાં હાજર નહીં થવાથી તેની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવામાં આવ્યો હતો. તેના જામીન આપનાર પણ કોઈ ન હોવાથી ૪ માસથી તે જેલમાં બંધ હતો.
દરમિયાન તાજેતરમાં આ કેસ લોક અદાલતમાં મૂકાયો હતો. કોર્ટે ફરિયાદીને બોલાવ્યો અને સમજાવ્યું કે ૪૧ વર્ષ જૂનો કેસ છે. ૨૦ રૂપિયાની ચોરીનો આરોપ છે. આરોપી પણ ચાર મહિના સુધી જેલમાં પણ રહી ચૂક્યો છે. આ કેસ ચલાવવાનો કોઈ મતલબ નથી. ૬૪ વર્ષના ફરિયાદી બાબુલાલે પણ કહ્યું સાહેબ, હું આરોપીને જાણતો નથી, આટલાં વર્ષો વીતી ગયાં છે, હવે મામલો ખતમ કરી નાંખો. આમ ફરિયાદીની સંમતિ પછી કેસ બંધ કરાયો હતો.

