અમેરિકાના હ્યુસ્ટનના ગુજરાતી સમાજના અગ્રણી શ્રી રમેશ શાહ હાલ યુકેની ટૂંકી મુલાકાતે છે. તેઓ ૧૯૭૦માં અમેરિકા ગયા ત્યારથી ભારતીય સમાજમાં ખૂબ સક્રિય છે. હ્યુસ્ટનમાં તેમણે સમાજના અન્ય લોકો સાથે મળીને ગુજરાતી સમાજ, ઈન્ડિયા કલ્ચર સેન્ટરની રચના કરી હતી. અત્યારે તેઓ સંસ્થાના કોમ્યુનિટી સેન્ટર માટે ફંડરેઝિંગ કરી રહ્યા છે. તે ઉપરાંત, તેઓ અન્ય ઘણી સંસ્થાઓ અને અગ્રણીઓને મદદરૂપ થઈ રહ્યાં છે. તેઓ તેમના ભાઈ દિનેશભાઈ સાથે હિંદુ સ્વયં સેવક સંઘમાં પણ ખૂબ સક્રિય છે. ખાસ તો તેઓ અમેરિકા અને ભારતમાં એકલ વિદ્યાલયના તેમના કાર્ય માટે ખૂબ જાણીતા છે. તેઓ ભારતના પછાત વિસ્તારોમાં લાખો લોકોને શિક્ષણની સુવિધા પૂરી પાડે છે. અગાઉ આ એકલ વિદ્યાલયનું સંચાલન તેઓ તેમના નિવાસસ્થાનેથી કરતાં હતા. હાલ તેઓ એકલ વિદ્યાલયના ગ્લોબલ કો-ઓર્ડિનેટર છે. તેમનું આ મિશન ડેન્માર્કથી ન્યૂઝિલેન્ડ સુધી વિસ્તરેલું છે. તેઓ ભારતના તમામ ગામોમાં પાયાની સાક્ષરતા લાવવા માગે છે. તેઓ અંતરિયાળ ગામોમાં એક શિક્ષકથી સંચાલિત શાળા ચલાવે છે. સ્કૂલ યોગ્ય રીતે કાર્યરત થાય તે પછી તેઓ આરોગ્ય સેવા અને કૌશલ્ય વિકાસને તેમાં સામેલ કરે છે, જેથી ગ્રામીણ લોકોને આર્થિક તકો મળે.’ ૨૦૧૭માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ એનાયત કર્યો હતો. ભારત સરકાર દ્વારા ભારત અને વિદેશમાં મહત્ત્વની સિદ્ધિ મેળવવા બદલ વિદેશી ભારતીયોને અપાતું આ સર્વોચ્ચ સન્માન છે.
૨૦૧૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું અને સમાજ દ્વારા તેમનું સન્માન થયું તે કાર્યક્રમમાં મહત્ત્વનું યોગદાન આપનારા લોકોમાં રમેશભાઈ એક હતા.

